એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટઃ પહેલા દિવસને અંતે ઈંગ્લેન્ડ ૨૮૫-૯, અશ્વિનની ૪ વિકેટ

બર્મિંઘમ – અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામે પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં આજે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એની ટીમની લડતની આગેવાની લીધી હતી. દિવસને અંતેે ઈંંગ્લેન્ડનો સ્કોર ૯ વિકેટે ૨૮૫ રન હતો. ઓફ્ફ-સ્પિનર રવિચંંદ્રન અશ્વિન ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. એણે ૨૫ ઓવરમાં ૬૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી.

 

ટી બ્રેક વખતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 163 રન હતો. કેપ્ટન જો રૂટ 65 રન સાથે દાવમાં હતો, પણ ટી-બ્રેક બાદની રમતમાં એ વ્યક્તિગત 80 રન કરીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ વતી ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન સૌથી ઝડપે પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે.

રૂટ રનઆઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ એને સીધો થ્રો કરીને રનઆઉટ કર્યો હતો. એ વખતે ઈંગ્લેન્ડનો સ્કોર 216 રન હતો. ભારતને મળેલી એ ચોથી વિકેટ હતી.

રૂટે 156 બોલનો સામનો કર્યો હતો અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

જો રૂટ – 80 રન કરીને રનઆઉટ થયો

એ પહેલાં, ઈંગ્લેન્ડની પહેલી વિકેટ લેવાનો શ્રેય ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને મળ્યો હતો. એણે ભૂતપૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂક (13)ને બોલ્ડ કર્યો હતો.

કૂકની વિકેટ પડ્યા બાદ કીટન જેનિંગ્સ (42) અને રૂટે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. 98 બોલમાં 42 રન કરનાર જેનિંગ્સને મોહમ્મદ શમીએ બોલ્ડ કર્યો હતો.

ત્યારબાદ આવેલો ડેવિડ માલન માત્ર 8 રન કરી શક્યો હતો. શમીએ એને લેગબીફોર શિકાર બનાવ્યો હતો.
માલનની વિકેટ બાદ વિકેટકીપર જોની બેરસ્ટો કેપ્ટન રૂટ સાથે જોડાયો હતો અને કેપ્ટન આઉટ થયો એ પહેલાં બંનેએ 104 રનની ભાગીદારી કરી હતી.

ભારતે તેની ઈલેવનમાંથી ચેતેશ્વર પૂજારાને બહાર રાખ્યો છે.

ટોપ ઓર્ડરમાં મુરલી વિજય, શિખર ધવન અને લોકેશ રાહુલને રાખ્યા છે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ ઈલેવનની બહાર છે. રવિચંદ્રન અશ્વિન એકમાત્ર સ્પિનર છે.

ભારતીય ઈલેવન આ મુજબ છેઃ મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા.

ઈંગ્લેન્ડની ઈલેવનઃ એલેસ્ટર કૂક, કીટન જેનિંગ્સ, જો રૂટ (કેપ્ટન), ડેવિડ માલન, જોની બેરસ્ટો (વિકેટકીપર), બેન સ્ટોક્સ, જોસ બટલર, સેમ કરન, આદિલ રશીદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.