શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર; પંતનો ભારતીય ટીમમાં સમાવેશ

0
545

લંડન – ભારતનો ઈજાગ્રસ્ત ઓપનર શિખર ધવન હાલ રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માંથી બહાર થઈ ગયો છે. એ ડાબા હાથના અંગૂઠામાં થયેલી ઈજામાંથી સાજો થઈ શક્યો નથી. 15-સભ્યોની ટીમમાં એનું સ્થાન યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે લીધું છે.

33 વર્ષના ધવનને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. આ ઈજા એને ગઈ 9 જૂને લંડનમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ વખતે થઈ હતી. શરૂઆતમાં એને 3 મેચ માટે ઈલેવનમાંથી બાકાત કરાયાની જાહેરાત કરવામાં આવી હતી, પણ હવે એ ઈજામાંથી સાજો થઈ ન શકતાં એને સ્પર્ધામાંથી બહાર થવું પડ્યું છે.

ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારી હતી અને તે મેચ ભારત જીત્યું હતું, પણ ત્યારબાદ 16 જૂને પાકિસ્તાન સામેની મેચમાં એ રમી શક્યો નહોતો.

ભારત હવે 22 જૂને અફઘાનિસ્તાન સામે, 27 જૂને વેસ્ટ ઈન્ડિઝ સામે, 30 જૂને ઈંગ્લેન્ડ સામે, 2 જૂને બાંગ્લાદેશ અને 6 જૂને શ્રીલંકા સામે મેચ રમશે.

ભારતીય ટીમના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર સુનીલ સુબ્રમણ્યમે પત્રકારોને કહ્યું કે શિખર ધવનના ડાબા હાથના અંગૂઠાના મૂળ ભાગમાં ફ્રેક્ચર થયું છે. એના હાથનો તે ભાગ જુલાઈના મધ્ય ભાગ સુધી પ્લાસ્ટરમાં રહેશે, પરિણામે એ વર્લ્ડ કપ-2019માંથી બહાર થઈ ગયો છે.

ભારતે ધવનની ઈજાની જાણકારી આઈસીસીને લેખિતમાં આપી દીધી છે અને ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં સામેલ કરવાની વિનંતી કરી દીધી છે.

પંત અત્યાર સુધી માત્ર પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે, પરંતુ એ આક્રમક બેટ્સમેન તરીકે પોતાની આગવી છાપ ઊભી કરી શક્યો છે. તે ઓપનિંગમાં પણ ફટકાબાજી સાથે બેટિંગ કરી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પંત તથા અંબાતી રાયડુને સત્તાવાર સ્ટેન્ડ-બાય ખેલાડીઓ તરીકે જાહેર કર્યા હતા.

પંતને જો સમયસર ટીમમાં સામેલ કરી નહીં શકાય તો ભારતે 22 જૂને અફઘાનિસ્તાન સામેની મેચમાં 13 ખેલાડીઓમાંથી એની ઈલેવન પસંદ કરવી પડશે.

ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર પણ એના ઘૂંટણની પાછળના ભાગની નસ ખેંચાઈ જતાં ત્રણ મેચ રમી શકવાનો નથી.