ચેન્નાઈ T20Iમાં ભારતનો 6-વિકેટથી વિજયઃ 20-20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી સફાયો

ચેન્નાઈ – ભારતે આજે અહીં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે છેલ્લા બોલ સુધી રોમાંચક બની રહેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6-વિકેટથી હરાવીને 3-મેચોની સીરિઝ 3-0થી જીતીને ક્લીન સ્વીપ કર્યું છે.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાર્લોસ બ્રેથવેઈટે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. એની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 181 રનનો ચેલેન્જિંગ સ્કોર કર્યો હતો. નિકોલસ પૂરન 53 રન અને ડેરેન બ્રાવો 43 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

તેના જવાબમાં, ભારતે શિખર ધવનના 92 અને રિષભ પંતના 58 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 182 રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતને મેચના છેલ્લા બોલે મેચ જીતવા માટે 1 રન કરવાનો આવ્યો હતો. મનીષ પાંડે એક રન કરવામાં સફળ રહ્યો હતો. સામે છેડે વિકેટકીપર દિનેશ કાર્તિક હતો, જેને રમવાનો વારો આવ્યો નહોતો.

કેપ્ટન રોહિત શર્મા 4 અને લોકેશ રાહુલ 17 રન કરીને આઉટ થયો હતો.

ધવને 62 બોલનો સામનો કર્યો હતો અને 10 ચોગ્ગા, બે છગ્ગા ફટકાર્યા હતા. પંતે 38 બોલના દાવમાં 3 છગ્ગા અને પાંચ ચોગ્ગા ઝીંક્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી.

ધવનને ‘મેન ઓફ ધ મેચ’ અને કુલદીપ યાદવને ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ભારતે આ પહેલાં લખનઉ અને કોલકાતાની મેચો પણ જીતી હતી.

એ પહેલાં, ભારતે ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 3-1થી પરાજય આપ્યો હતો.