ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 6-વિકેટે હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સ IPL-12 ફાઈનલમાં

વિશાખાપટનમ – બોલરોએ ચુસ્ત બોલિંગ કર્યા બાદ ફાફ ડુ પ્લેસીસ (50) અને શેન વોટસન (50)ની ઓપનિંગ જોડી કરેલી 81 રનની ભાગીદારીના જોરે ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમે આજે અહીં આઈપીએલ-2019ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 6-વિકેટથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

12 મેના રવિવારે હૈદરાબાદમાં રમાનાર ફાઈનલમાં ચેન્નાઈનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે, જેની સામે એ ક્વાલિફાયર-1 મેચમાં હારી ગઈ હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પણ ચેન્નાઈના બોલરો – દીપક ચહર, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોએ વ્યક્તિગત બે વિકેટ લેતાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 147 રન જ કરી શકી હતી.

તેના જવાબમાં, ચેન્નાઈએ 19 ઓવરમાં 4 વિકેટના ભોગે 151 રન કરીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈએ સુરેશ રૈના (11) અને ધોની (9)ની વિકેટો પણ ગુમાવી હતી. અંબાતી રાયડુ 20 અને ડ્વેન બ્રાવો 4 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે આ 8મી વાર આઈપીએલ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગયા વર્ષે ચેન્નાઈ ચેમ્પિયન બની હતી જ્યારે 2017માં ધોનીના નેતૃત્ત્વ હેઠળ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ પહેલાં 3 વખત આઈપીએલ ફાઈનલમાં ટકરાઈ ચૂક્યા છે.

2010માં ચેન્નાઈએ મુંબઈને 22 રનથી હરાવ્યું હતું, 2013માં મુંબઈએ ચેન્નાઈને 23 રનથી અને 2015માં મુંબઈએ ચેન્નાઈને 41 રનથી પરાજય આપ્યો હતો.

2017ની આઈપીએલમાં, ધોનીના નેતૃત્ત્વ હેઠળ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમે મુંબઈને સતત 3 મેચોમાં હરાવ્યું હતું, પણ ફાઈનલમાં એ મુંબઈ સામે હારી ગયું હતું.

2019ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 મેચમાં હાર આપી હતી. હવે બંનેનો ફરી મુકાબલો ફાઈનલમાં થવાનો છે.

આઈપીએલઃ ફાઈનલમાં પ્રવેશનાર ટીમો…

2019 – MI vs CSK*
2018 – CSK vs SRH
2017 – RPS vs MI
2016 – RCB vs SRH
2015 – MI vs CSK
2014 – KKR vs KXIP
2013 – CSK vs MI
2012 – KKR vs CSK
2011 – CSK vs RCB
2010 – MI vs CSK
2009 – DC vs RCB
2008 – RR vs CSK

આઈપીએલમાં ચેન્નાઈ વિરુદ્ધ મુંબઈ…
2010: CSK vs MI
2013: CSK vs MI
2015: CSK vs MI
2019: CSK vs MI

આઈપીએલમાં ધોનીના નેતૃત્ત્વ હેઠળની ટીમ ફાઈનલમાં…
2008 – #CSK
2010 – #CSK
2011 – #CSK
2012 – #CSK
2013 – #CSK
2015 – #CSK
2017 – #RPS
2018 – #CSK
2019 – #CSK



































(તસવીરોઃ iplt20.com)