ફૂટબોલ વર્લ્ડ કપઃ આર્જેન્ટિનાને 3-0થી હરાવી ક્રોએશિયા નોકઆઉટ માટે ક્વોલિફાય

નિઝની નોવગોરોડ (રશિયા) – અહીં ગઈ કાલે રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રુપ-Dની મેચમાં, ક્રોએશિયાએ મોટું અપસેટ પરિણામ આપ્યું છે. એણે ભૂતપૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-0થી કચડી નાખ્યું છે અને નોકઆઉટ (અંતિમ-16 ટીમો)ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ક્રોએશિયાએ તેની પહેલી ગ્રુપ મેચમાં નાઈજિરીયાને 2-0થી હરાવ્યું હતું.

આ ત્રણેય ગોલ મેચના બીજા હાફમાં નોંધાયા હતા. એન્ટ રેબિકે 53મી મિનિટે, લ્યૂકા મોડરીકે 80મી અને ઈવાન રેકીટીકે 91મી મિનિટે ગોલ કર્યો હતો.

આ પરાજયની સાથે વર્તમાન વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનો ખેલ લગભગ ખતમ થઈ ગયો છે. એની પહેલી મેચ આઈસલેન્ડ સામે હતી અને એ 1-1થી ડ્રોમાં પરિણમી હતી. તે મેચમાં આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી પેનલ્ટી કિકને ગોલમાં ફેરવી શક્યો નહોતો.

ગઈ કાલની મેચમાં પણ આશ્ચર્યજનક રીતે મેસ્સીનો જાદુ ચાલ્યો નહોતો અને એ ક્રોએશિયન ડીફેન્ડરોની વચ્ચે ફસાયેલો રહ્યો હતો.

1958ની વર્લ્ડ કપ બાદ આ પહેલી વાર આર્જેન્ટિનાની ગ્રુપ તબક્કામાં સૌથી ખરાબ હાર થઈ છે.

પહેલો ગોલ આર્જેન્ટિનાના ગોલકીપરની લાપરવાહીને કારણે થયો હતો. ત્યારબાદ આર્જેન્ટિનાનું ડીફેન્સ નબળું પડી જતાં ક્રોએશિયાની ટીમના કેપ્ટન મોડરીકે ફાયદો ઉઠાવ્યો હતો અને ગોલ કર્યો હતો. એ ગોલ સાથે જ આર્જેન્ટિના માટે આ મેચમાં બચવાની રહી સહી આશા પર પાણી ફરી વળ્યું હતું. અંતમાં, મેચના ઈન્જરી ટીમમાં ઈવાન રેકીટીકે ગોલ કરીને મેચને સમાપ્ત કરી દીધી હતી.

હવે ક્રોએશિયાએ ટોપ-16માં સ્થાન મેળવી લીધું છે.

2014ની વર્લ્ડ કપની રનર્સ-અપ આર્જેન્ટિના ટીમ હવે ગ્રુપમાં તેની છેલ્લી મેચમાં નાઈજિરીયા સામે રમશે. એ મેચમાં તે જીતે ત્યારબાદ ગ્રુપમાં અન્ય ટીમ તરફથી કોઈ ફેવર મળે તો જ નોકઆઉટમાં જવાની આર્જેન્ટિના માટે આશા બંધાય.