ક્રિકેટ વર્લ્ડ કપઃ ક્રિસ ગેલ નિમાયો વેસ્ટ ઈન્ડિઝનો વાઈસ કેપ્ટન

0
802

ડબલીન – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવતી 30 મેથી યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલને પસંદ કરવામાં આવ્યો છે. ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર છે.

ગેલ 2010ના જૂનમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સુકાની હતો.

વર્લ્ડ કપ એ જેસન હોલ્ડરની કારકિર્દીની આ આખરી વન-ડે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે.

ગેલે કહ્યું કે કોઈ પણ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવાને હું સદાય મારું ગૌરવ માનતો રહ્યો છું અને આ તો વળી વર્લ્ડ કપ છે, જે મારે મન વિશેષ છે. કેપ્ટનને તથા ટીમના દરેક સાથીને સપોર્ટ કરવાની સિનિયર ખેલાડી તરીકે મારી જવાબદારી રહેશે.

આ વખતની વર્લ્ડ કપ અત્યાર સુધીની સૌથી મોટી હશે. એટલે અપેક્ષાઓ ઘણી છે અને મને આશા છે કે અમે વેસ્ટ ઈન્ડિઝના લોકોને ગમે એવી જ રમત રમીશું, એમ ગેલે કહ્યું છે જે 289 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે.

જોકે હાલ આયરલેન્ડમાં રમાતી ટ્રાઈ-સીરિઝમાં ગેલ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો સભ્ય નથી.

આગામી વર્લ્ડ કપમાં, વેસ્ટ ઈન્ડિઝ તેની પહેલી મેચ 31 મેએ ટ્રેન્ટ બ્રિજમાં પાકિસ્તાન સામે છે.