IPL11: રોમાંચક મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 4-રનથી હરાવ્યું; રાયડુ ‘MoM’

હૈદરાબાદ – મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે આજે અહીં લીગ મેચમાં હરીફ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનના જોરદાર બેટિંગ પ્રહારને ખાળવામાં સફળતા મેળવીને તેને 4-રનથી પરાજય આપ્યો હતો. આજની જીત સાથે ચેન્નાઈ ટીમ પાંચ મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ નંબરે આવી ગઈ છે.

રાયડુની પીઠ થાબડતો સુરેશ રૈના

ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટે 182 રન કર્યા હતા. એના જવાબમાં હૈદરાબાદ ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 178 રન કરી શકી હતી.

ઓપનિંગ બેટ્સમેન વિલિયમ્સને માત્ર 51 બોલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 84 રન ઝૂડી કાઢ્યા હતા, પણ સામે છેડે એને યુસુફ પઠાણ (45) સિવાય બીજા કોઈ તરફથી મોટો સાથ મળ્યો નહોતો. જોકે એક તબક્કે 14 બોલના ગાળામાં 6 સિક્સર લાગી જતાં હૈદરાબાદ માટે જીતની આશા બંધાઈ હતી અને ચેન્નાઈ ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી.

કેન વિલિયમ્સન

હૈદરાબાદને છેલ્લા બોલે જીત માટે 6 રનની જરૂર હતી. રાશીદ ખાન બેટિંગમાં હતો, પણ ડ્વેન બ્રાવોએ યોર્કર ફેંકતાં રાશીદ એને ફટકારી શક્યો નહોતો. માત્ર એક જ રન દોડી શક્યો હતો. રાશીદ માત્ર 4 બોલમાં બે સિક્સર અને એક બાઉન્ડરી સાથે 17 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર છે ચેન્નાઈનો અંબાતી રાયડુ, જેણે 37 બોલમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 79 રન ફટકાર્યા હતા. સુરેશ રૈના 54 રન કરીને અને કેપ્ટન ધોની 25 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.