બોલ-ટેમ્પરિંગ વિવાદઃ સ્મીથે કેપ્ટનપદ ગુમાવ્યું; 1-ટેસ્ટમેચનો પ્રતિબંધ

કેપ ટાઉન – બોલ સાથે ચેડાં કરવાના ગુના બદલ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામે અત્રે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના બાકીના હિસ્સામાંથી ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પદેથી સ્ટીવન સ્મીથને અને વાઈસ-કેપ્ટન પદેથી ડેવિડ વોર્નરને દૂર કરી દીધા છે. જોકે આ બંને જણ ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે.

કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના શનિવારે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન કેમરન બેંક્રોફ્ટ બોલ પર પીળા રંગની કોઈક ટેપ કે સેન્ડપેપર બોલ પર ઘસતો કેમેરામાં ઝડપાઈ ગયો હતો.

ટીવી ફૂટેજમાં જોઈ શકાયું છે કે બેંક્રોફ્ટ બોલ પર કોઈક ચીજ ઘસી રહ્યો છે અને બાદમાં એ ચીજ એનાં પેન્ટના ખિસ્સામાં મૂકે છે. જેવું એ દ્રશ્ય સ્ટેડિયમના જાયન્ટ સ્ક્રીન પર બતાવવામાં આવ્યું કે તરત જ બેંક્રોફ્ટને કેપ્ટન સ્મીથની હાજરીમાં ફિલ્ડ પરના અમ્પાયરો – રિચર્ડ ઈલિંગવર્થ અને નાઈજલ લોન્ગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ બંને ફિલ્ડ અમ્પાયરો, થર્ડ અમ્પાયર ઈયાન ગુલ્ડ અને ચોથા અમ્પાયર અલાઉદ્દીન પાલેકરે બેંક્રોફ્ટ પર બોલ સાથે ચેડાં કરવાનો આરોપ મૂક્યો હતો.

અમ્પાયરોએ બેંક્રોફ્ટ પાસેથી બોલ લઈ લીધો હતો અને એને રીપ્લેસ ન કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, એમણે ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચ-રનની પેનલ્ટી ફટકારી હતી. એમણે કહ્યું હતું કે બેંક્રોફ્ટની હરકતને કારણે બોલનો આકાર બદલાઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ત્રીજી ટેસ્ટની બાકી રહેલી મેચમાં કેપ્ટન તરીકે વિકેટકીપર ટીમ પેઈનને નિયુક્ત કર્યો હતો. આ જાણકારી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડે આપી છે.

દરમિયાન, આઈસીસીએ સ્મીથ સામે કડક શિક્ષાત્મક પગલાં લીધા છે. એની પર એક ટેસ્ટ મેચમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે અને એને તેની 100 મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

 

ત્રીજા દિવસની રમતને અંતે સ્મીથ અને બેંક્રોફ્ટે ગુનાની કબૂલાત કરી હતી. બોલનો આકાર બદલવાનો બેંક્રોફ્ટ પર આઈસીસી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે.

સ્મીથ અને બેંક્રોફ્ટે ત્રીજા દિવસની રમત બાદ પત્રકાર પરિષદમાં એમના ગુનાની કબૂલાત કરી હતી અને એમની હરકત બદલ માફી માગી હતી.

આ બનાવમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ આદરી છે, એવી બોર્ડના ચેરમેન ડેવીડ પીવરે જાહેરાત કરી છે.

દરમિયાન, ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો રવિવારે ચોથા દિવસે 322-રનથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાને જીત માટે 430 રનનો ટાર્ગેટ હતો, પણ ટીમ બીજા દાવમાં માત્ર 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાર મેચોની સિરીઝમાં સાઉથ આફ્રિકા હવે 2-1થી આગળ છે.

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલે 23 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. એણે પહેલા દાવમાં 4 વિકેટ લીધી હતી.

કેમરન બેંક્રોફ્ટ અને કેપ્ટન સ્ટીવ સ્મીથે પત્રકાર પરિષદમાં ગુનાની કબૂલાત કરી. જુઓ વીડિયો…

httpss://youtu.be/Z6X83LLgc30