ગુવાહાટી મેચમાં પરાજય મળવાનું કારણ અમારી કંગાળ બેટિંગઃ કોહલી

ગુવાહાટી – ઓસ્ટ્રેલિયાએ ગઈ કાલે ભારતને અહીં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ૮-વિકેટથી હરાવી ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, પણ ભારતીય ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૧૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલી ઝીરો પર આઉટ થયો હતો. દાવની પહેલી જ ઓવરમાં ભારતે રોહિત શર્મા (૧૧) અને કોહલીની વિકેટો ગુમાવી હતી.

તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫.૩ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૨૨ રન કરીને મેચ જીતી ગયું હતું.

ત્રણ મેચની સિરીઝ હવે ૧-૧થી સમાન થઈ છે. ભારત રાંચીમાં પહેલી T20 મેચ 9-વિકેટથી જીત્યું હતું. ત્રીજી અને છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ ૧૩ ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હાર માટે કોહલીએ ટીમની કંગાળ બેટિંગને જવાબદાર ગણાવી છે.

જેસન બેરેનડોફઃ ભારતની 4 વિકેટ પાડી

‘અમે સારી બેટિંગ કરી નહોતી. આ પીચ પર બેટિંગ કરવાનું શરૂઆતથી જ મુશ્કેલ હતું. એ લોકોને પણ તકલીફ પડી હતી, પરંતુ ઝાકળ પડવાનું બંધ થઈ ગયા બાદ એમને બેટિંગ કરવામાં સરળતા પડી હતી,’ એમ કોહલીએ જણાવ્યું હતું.

કોહલીએ ઓસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બોલર જેસન બેરેનડોફના વખાણ કર્યા હતા જેણે ૨૧ રનમાં ભારતની ૪ વિકેટ લીધી હતી. ભારતની જે પહેલી ૪ વિકેટ પડી હતી એ બેરેનડોફે લીધી હતી. એના આક્રમણને કારણે ભારતીય છેવટ સુધી બેઠી થઈ શકી નહોતી.

કેદાર જાધવ ૨૭ રન સાથે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ આરોન ફિન્ચ (૮) અને વોર્નર (૨)ની વિકેટ સસ્તામાં ગુમાવી હતી, પણ ત્યારબાદ મોઈઝીસ હેન્રીક્સ (૬૨*) અને ટ્રેવિસ હેડ (૪૮*)ની જોડીએ ૧૦૯ રનની અતૂટ ભાગીદારી કરી હતી.