એશિયન ગેમ્સની મશાલની સફરનો દિલ્હીથી પ્રારંભ કરાયો, 18 ઓગસ્ટે યજમાન શહેર જકાર્તા પહોંચશે

નવી દિલ્હી – એશિયન ગેમ્સની મશાલને આજે અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમ ખાતે પ્રજ્વલિત કરવામાં આવી હતી અને ત્યાંથી એણે તેની સફર શરૂ કરી હતી. સફરના આરંભે ઈન્ડોનેશિયાના દંતકથાસમા મહિલા બેડમિન્ટન ખેલાડી સુસી સુશાંતિ સહિત 31 એથ્લીટ્સે તેને હાથમાં લીધી હતી. સુસી સુશાંતિ ઈન્ડોનેશિયાનાં ટોર્ચ એમ્બેસેડર છે.

દર ચાર વર્ષે રમાતી એશિયન ગેમ્સની 2018ના વર્ષની આવૃત્તિ આવતી 18 ઓગસ્ટથી ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બંગ શહેરોમાં યોજાવાની છે. આ વખતની ગેમ્સ 2 સપ્ટેંબર સુધી ચાલશે.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના મહામંત્રી રાજીવ મહેતા અને પ્રેસિડન્ટ ડો. નરિન્દર ધ્રુવ બત્રાએ પરંપરાગત વિધિ અનુસાર મશાલને પ્રજ્વલિત કરી હતી. એ પ્રસંગે ખેલ મંત્રાલયના અધિકારીઓ તેમજ ઈન્ડોનેશિયાના એશિયન ગેમ્સ આયોજન સમિતિના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

મશાલને પ્રજ્વલિત કરાયા બાદ સુસી સુશાંતિને સુપરત કરવામાં આવી હતી જેમણે પાંચ વખત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયન બનેલાં અને સાંસદ મેરી કોમને સુપરત કરી હતી. મેરીએ ટોર્ચને ભારતની મેન્સ હોકી ટીમના કેપ્ટન પી.આર. શ્રીજેશને આપી હતી, અને ત્યારબાદ એ શૂટર જિતુ રાય, બોક્સર સરિતા દેવી, તીરંદાજ જયંત તાલુકદાર, બેડમિન્ટન ખેલાડી શરત કમલ, હોકી ખેલાડીઓ સરદાર સિંહ અને એસ.વી. સુનીલ, કબડ્ડી ખેલાડીઓ અનૂપ કુમાર અને અજય ઠાકુર તથા અન્ય ટોચના એથ્લીટ્સના હાથમાંથી પસાર થઈ હતી.

મશાલને રાજપથ અને ઈન્ડિયા ગેટ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી એને ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા અને સુસી સુશાંતિ ફરી ધ્યાનચંદ સ્ટેડિયમમાં લઈ આવ્યાં હતાં.

એશિયન ગેમ્સની આ મશાલ એશિયાના દેશોના 18 પ્રાંતના 54 શહેરોમાં ફરશે અને ત્યારબાદ સ્પર્ધાના પ્રારંભિક દિવસ, 18 ઓગસ્ટે જાકાર્તામાં પહોંચ્યા બાદ સફરની સમાપ્તિ થશે.

એશિયન ગેમ્સની સ્થાપના 1951માં દિલ્હીમાં કરવામાં આવી હતી તેથી દર વખતે સ્થાપક શહેર દિલ્હીમાં એને પ્રજ્વલિત કરાઈ સફરના રૂપમાં નવા યજમાન શહેર ખાતે લઈ જવામાં આવે છે. આ વખતે આ મશાલ દિલ્હીથી 18,000 કિ.મી.નો પ્રવાસ કરી જકાર્તા પહોંચશે.

આ વખતની એશિયન ગેમ્સમાં 11,920 એથ્લીટ્સ ભાગ લેવાના છે.