ભારતને મળ્યો 13મો ગોલ્ડ; 4X400 મીટરની રીલેમાં ભારતીય મહિલા ટીમ પ્રથમ આવી

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે આજે 4X400 મીટર રીલે હરીફાઈમાં પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

ડાંગ જિલ્લાના ખરાડી અમ્બા ગામની રહેવાસી સરિતાબેન ગાયકવાડ, વિસ્મયા કોરોથ, પૂવમ્મા રાજુ અને હિમા દાસની બનેલી ભારતીય ટીમે 3:28:72 સમય સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હિમા દાસે ટીમનું નેતૃત્ત્વ લીધું હતું અને એ ફાઈનલ લેગમાં મોખરે રહી હતી.

વર્તમાન ગેમ્સમાં હિમાનો આ ત્રીજો મેડલ છે. આ પહેલાં એ મિક્સ્ડ 4X400 મીટર રીલેમાં તથા મહિલાઓની 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

વર્તમાન ગેમ્સમાં ભારતનો આ 13મો સુવર્ણ ચંદ્રક છે. જ્યારે ભારતના કુલ ગોલ્ડ મેડલ્સની સંખ્યા 58 પર પહોંચી છે.