એશિયા કપ 2018: ભારતનો 26 રનથી વિજય; હોંગ કોંગ લડત આપીને હાર્યું

દુબઈ – અહીં રમાતી એશિયા કપ 2018 ક્રિકેટ સ્પર્ધામાં ગઈ કાલે ભારતે ગ્રુપ-Aમાં પોતાની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં હોંગ કોંગને 26-રનથી પરાજય આપ્યો હતો. ભારતના આશ્ચર્ય વચ્ચે હોંગ કોંગના બેટ્સમેનોએ જોરદાર લડત આપી હતી.

ટોસ હારી ગયા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતીય ટીમે તેના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 285 રન કર્યા હતા. તેના જવાબમાં હોંગ કોંગ ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 259 રન કર્યા હતા.

હોંગ કોંગના નિઝાકત ખાન અને ભારતીય મૂળના (ઓડિશા) ચાઈનીઝ નાગરિક કેપ્ટન અંશુમન રાથની ઓપનિંગ જોડીએ ભારતના બોલરોનો મક્કમતાપૂર્વક સામનો કરીને 34 ઓવરમાં 174 રનની ભાગીદારી કરી હતી. રાથ 73 રન કરીને આઉટ થયો હતો. કુલદીપ યાદવની બોલિંગમાં આઉટ થયેલા રાથે 97 બોલનો સામનો કર્યો હતો અને 4 ચોગ્ગા, એક છગ્ગો ફટકાર્યો હતો.

તે પછી સ્કોરમાં માત્ર એક જ રન ઉમેરાયો હતો અને નિઝાકત ખાન (92) આઉટ થયો હતો. એને નવોદિત મધ્યમ ઝડપી બોલર ખલીલ એહમદે આઉટ કર્યો હતો. ખાનના 115 બોલના દાવમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા.

ઓપનિંગ જોડી આઉટ થતાં હોંગ કોંગનો રનરેટ ઝડપથી વધવા લાગ્યો હતો. બાકીના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો, પણ અનુભવના અભાવે તેઓ ટાર્ગેટને ચેઝ કરવામાં સફળ રહ્યા નહોતા.

રાજસ્થાનના રહેવાસી ખલીલ એહમદે 10 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 46 રન આપીને 3 અને ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

શિખર ધવનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 127 રન કર્યા હતા. એના 120 બોલના દાવમાં 15 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

એક સમયે ભારતનો સ્કોર 40 ઓવરમાં બે વિકેટે 240 રન હતો, પણ હોંગ કોંગના સ્પિનરોની બોલિંગને કારણે મધ્યમ હરોળના બેટ્સમેનો સ્કોરની ગતિ વધારી શક્યા નહોતા અને ટપોટપ આઉટ થયા હતા. ધવને કારકિર્દીની 14મી સદી ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્માએ 23, અંબાતી રાયડુએ 60 રન કર્યા હતા. ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની ઝીરો પર આઉટ થયો હતો.

સ્પર્ધામાં, આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાને તેની પહેલી મેચમાં, હોંગ કોંગને પરાજય આપ્યો હતો.

ગ્રુપ-Bમાં, શ્રીલંકા તેની બંને મેચ હારીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, બંને સામે એનો પરાજય થયો છે.

એશિયા કપમાં, હોંગ કોંગનો ભારતના હાથે આ બીજો પરાજય થયો છે. 2014ની સ્પર્ધામાં તે ભારતના હાથે 256 રનથી હાર્યું હતું.

હોંગ કોંગનો ભારતીય મૂળનો ચાઈનીઝ નાગરિક અંશુમન રાથ