એશિયા કપ હોકીઃ ભારતે પાકિસ્તાનને 3-1 ગોલથી હરાવ્યું

ઢાકા – અહીં રમાતી એશિયા કપ હોકી સ્પર્ધામાં પૂલ-Aની આજે રમાયેલી છેલ્લી મેચમાં, ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1થી પરાસ્ત કર્યું છે.

ભારતે સ્પર્ધામાં આ સતત ત્રીજો વિજય મેળવીને કુલ 9 પોઈન્ટ સાથે પૂલ-Aમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. ભારત એકેય મેચ હાર્યું નથી.

પાકિસ્તાન ટીમ ઉપર ભારતનો આ સતત પાંચમો વિજય છે.

આજે, ચિન્ગલેનસાના સિંઘે 17મી મિનિટે ભારતનો પહેલો ગોલ કર્યો હતો અને ટીમને પાકિસ્તાન ઉપર 1-0ની સરસાઈ અપાવી હતી.

પહેલા હાફના અંતે ભારત 1-0થી આગળ હતું.

બીજા હાફમાં, 44મી મિનિટે રમનદીપ સિંહે ડાઈવિંગ પરફોર્મન્સ દ્વારા ગોલ કર્યો હતો અને ભારત 2-0થી આગળ થયું હતું.

તે પછીની જ – 45મી મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારતની સરસાઈ વધારીને 3-0 કરી હતી.

પાકિસ્તાનના અલી શાને 48મી મિનિટે રીવર્સ હિટ વડે ગોલ કરી ભારતની સરસાઈ 1-3 કરી હતી, પણ પાકિસ્તાન ટીમ આ સ્કોરથી આગળ વધી શકી નહોતી.

પૂલ-Aમાં ભારત સાથે પાકિસ્તાન ટોપ-4માં રહ્યું છે. પૂલ-Bમાંથી દક્ષિણ કોરિયા અને મલેશિયા સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે.