એશિયા કપ 2018: લડાયક અફઘાનિસ્તાને ભારતને જીતવા ન દીધું; મેચ ‘ટાઈ’ થઈ

દુબઈ – અહીં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી એશિયા કપ-2018 સ્પર્ધામાં ગઈ કાલે રમાઈ ગયેલી સુપર-4 રાઉન્ડમાં પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાને ભારત સામે જોરદાર દેખાવ કર્યો હતો અને મેચ ‘ટાઈ’ કરાવી હતી. અફઘાનિસ્તાને તેના વિકેટકીપર મોહમ્મદ શેહઝાદની ધુઆંધાર સેન્ચુરી (124)ની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 252 રન કર્યા હતા. તેના જવાબમાં, મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 252 સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4 રાઉન્ડની આખરી મેચ રમાશે. જે વિજેતા બનશે તે 28મીએ રમાનારી ફાઈનલમાં ભારત સામે રમશે.

રવિન્દ્ર જાડેજા મેચની આખરી ઓવરના પાંચમા બોલે જીત માટે જરૂરી એક રન કરવાને બદલે આઉટ થઈ જતાં મેચ ‘ટાઈ’ થઈ હતી. આમ, ભારતને પરાજિત કરવા જેવો જ દેખાવ કરીને અને ગર્વ સાથે માથું ઊંચું રાખીને અફઘાનિસ્તાન ટીમ સ્વદેશ પાછી ફરી. પૂર્વેની બે સુપર-4 રાઉન્ડ મેચમાં હારી જતાં અફઘાનિસ્તાન ટીમ સ્પર્ધામાંથી બાકાત થઈ ચૂકી હતી.

એશિયા કપમાં ગઈ વેળાના ચેમ્પિયન ભારતે 253 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો આરંભ સરસ રીતે કર્યો હતો. લોકેશ રાહુલ (66 બોલમાં 60) અને અંબાતી રાયડુ (49 બોલમાં 57)ની ઓપનિંગ જોડીએ 17 ઓવરમાં 110 રન કર્યા હતા. પણ આ જોડી તૂટતાં મિનિ ધબડકો થયો હતો. એમાં અમુક રનઆઉટ અને અમુક અમ્પાયરોના ખોટા નિર્ણયોને કારણે ભારતને ભોગવવું પડ્યું હતું.

ભારતને મેચની આખરી ઓવરમાં જીત માટે 7 રન કરવાના હતા. રવિન્દ્ર જાડેજા (34 બોલમાં 25)એ લેગસ્પિનર રશીદ ખાનના બીજા બોલમાં બાઉન્ડરી મારી હતી. ત્યારબાદના બે બોલમાં જાડેજા અને આખરી બેટ્સમેન ખલીલ એહમદે એક-એક રન દોડ્યો હતો. સ્કોર લેવલ થયો હતો, ભારતે જીત માટે બે બોલમાં 1 રન કરવાનો હતો. રશીદે ફેંકેલા શોર્ટર બોલમાં જાડેજાએ ફટકો માર્યો હતો, પણ નજીબુલ્લાહે ડીપમાંથી દોડી આવીને મિડવિકેટ સ્થાને કેચ પકડી લીધો હતો. આમ, ભારત મેચ જીતી શ્કયું નહોતું અને મેચ ટાઈ થઈ હતી.

દિનેશ કાર્તિકે 66 બોલમાં 44 રન કર્યા હતા, પરંતુ એને સામે છેડેથી ટેકો મળ્યો નહોતો. કેપ્ટન ધોની 8, મનીષ પાંડે 8, કેદાર જાધવ 19 રન કરીને આઉટ થયો હતો. અમ્પાયરની ભૂલને કારણે કાર્તિકને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. ત્યારબાદ કારકિર્દીની પહેલી જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા દીપક ચાહર (12), કુલદીપ યાદવ (9) અને સિદ્ધાર્થ કૌલ (0)ની વિકેટો પણ  પડી હતી. ભારતને જિતાડવાનો બધો ભાર જાડેજાના ખભા પર આવી ગયો હતો.

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર આફતાબ આલમ અને બે સ્પિનર – નબી અને રશીદે વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી. જાવેદ એહમદીએ એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

તે પહેલાં, અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર અફઘાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેના વિકેટકીપર મોહમ્મદ શેહઝાદે મનોરંજનસભર સદી ફટકારી હતી. મોહમ્મદ નબીએ 56 બોલમાં 64 રન કર્યા હતા. આ મેચમાં, ભારતનું બોલિંગ આક્રમણ મહદ્દઅંશે બિનઅનુભવી હતું.

સ્ટ્રોકપ્લે માટે કઠિન પીચ હોવા છતાં શેહઝાદે ફાંકડી ફટકાબાજી કરી હતી. એણે 116 બોલમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 124 રન ઝૂડી કાઢ્યા હતા. વન-ડે ક્રિકેટમાં તેની આ પાંચમી સદી છે. આ પહેલાં એણે કેનેડા, નેધરલેન્ડ્સ, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ સામે સદી ફટકારી હતી.

દાવની છેલ્લી ત્રણ ઓવરમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો માત્ર 9 જ રન કરી શક્યા હતા.

ભારતે છેલ્લી સુપર-4 રાઉન્ડ મેચમાં પાંચ ફેરફારો કર્યા હતા. રોહિત શર્મા, શિખર ધવનને આરામ આપ્યો હતો. શર્માની જગ્યાએ ધોનીએ સુકાન સંભાળ્યું હતું. કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હતી.

વન-ડે ક્રિકેટમાં ભારતની ‘ટાઈ’ મેચો

વેસ્ટ ઈન્ડિઝ સામે, પર્થ, 1991

ઝિમ્બાબ્વે સામે, ઈન્દોર, 1993


ઝિમ્બાબ્વે સામે, પાર્લ, 1997


ઈંગ્લેન્ડ સામે, બેંગલુરુ, 2011


ઈંગ્લેન્ડ સામે, લોર્ડ્સ, 2011


શ્રીલંકા સામે, એડીલેડ, 2012


ન્યુ ઝીલેન્ડ સામે, ઓકલેન્ડ, 2014


અફઘાનિસ્તાન સામે, દુબઈ, 2018

*******

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ટાઈ મેચોના કેપ્ટન…

પાંચ મેચ – મહેન્દ્ર સિંહ ધોની

ત્રણ મેચ – રિચી રિચર્ડસન, સ્ટીવ વો, શોન પોલોક