જર્મનીની એન્જેલિક કેર્બર બની નવી વિમ્બલ્ડન ચેમ્પિયન; સેરેનાને 6-3, 6-3થી હરાવી

લંડન – અહીં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં જર્મનીની 11મી ક્રમાંકિત એન્જેલિક કેર્બર ગયા વર્ષની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ (અમેરિકા)ને બે સીધા સેટની રમતમાં હરાવીને નવી ચેમ્પિયન બની છે.

કેર્બરે સેરેનાને 6-3, 6-3થી પરાજય આપ્યો છે.

કારકિર્દીમાં કેર્બરે આ પહેલી જ વાર વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. જોકે આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. એ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન તથા યુએસ ઓપન ચેમ્પિયન બની હતી. 1996માં સ્ટેફી ગ્રાફ બાદ એન્જેલિક કેર્બર વિમ્બલ્ડન તાજ જીતનાર પહેલી જર્મન ખેલાડી બની છે.

11મી ક્રમાંકિત એન્જેલિક કેર્બરે ગયા વર્ષની ચેમ્પિયન સેરેના વિલિયમ્સને એનું 8મું વિમ્બલ્ડન ટાઈટલ જીતવા નથી દીધું. સેરેનાએ 2002, 2003, 2009, 2010, 2012, 2015 અને 2016માં અહીં વિજેતાપદ હાંસલ કર્યું હતું.

સેરેના આ વખતે 10મી વખત વિમ્બલ્ડન સિંગલ્સ ફાઈનલમાં પહોંચી હતી.

વિમ્બલ્ડનના ઈતિહાસમાં સેરેના સ્પર્ધાની ફાઈનલમાં પહોંચનાર 38 વર્ષમાં પહેલી મમ્મી બની છે. સેરેના એક દીકરીની માતા છે.