રાશીદ ખાનનો ઓલરાઉન્ડ દેખાવઃ કોલકાતાને હરાવી હૈદરાબાદ IPL-11ની ફાઈનલમાં

કોલકાતા – અહીં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે આજે ક્વોલિફાયર-2 મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સને 13-રનથી હરાવીને સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ-11ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હૈદરાબાદ ટીમે તેની 20 ઓવરમાં 7 વિકેટે 174 રન કર્યા હતા. એના જવાબમાં કોલકાતાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન કરી શકી હતી.

રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચમાં હૈદરાબાદ ટીમનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે જેના હાથે એ ક્વોલિફાયર-1 મેચમાં પરાજય પામી હતી.

હૈદરાબાદ ટીમની આજની જીત અફઘાનિસ્તાનના રાશીદ ખાનના ઓલરાઉન્ડ દેખાવને આભારી છે, જેણે બેટિંગમાં તેની ટીમની અંતિમ બાકી રહેલી ઓવરોમાં માત્ર 10 બોલમાં 4 સિક્સર અને બે બાઉન્ડરી સાથે 34 રન ફટકાર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. ત્યારબાદ રાશીદે એની લેગસ્પિન બોલિંગ દ્વારા કોલકાતાના 3 બેટ્સમેનને આઉટ કર્યા હતા. એના ત્રણ શિકાર છે – ક્રિસ લીન (48), રોબીન ઉથપ્પા (2) અને આન્દ્રે રસેલ (3). રાશીદે નીતિશ રાણાને રનઆઉટ કરવામાં પણ ભાગ ભજવ્યો હતો. એણે 4 ઓવરમાં કુલ 19 રનમાં 3 વિકેટ લીધી હતી.

કોલકાતાના ક્રિસ લીન અને સુનીલ નારાયણ (26)ની ઓપનિંગ જોડીએ 3.2 ઓવરમાં 40 રન કર્યા હતા. નીતિશ રાણાએ 22, રોબીન ઉથપ્પાએ 2, કેપ્ટન દિનેશ કાર્તિકે 8, શુભમન ગિલે 30, આન્દ્રે રસેલે 3, પિયૂષ ચાવલાએ 12, શિવમ માવીએ 6 રન કર્યા હતા.

એ પહેલાં, હૈદરાબાદના દાવમાં, વિકેટકીપર-ઓપનર રિદ્ધિમાન સહા (35) અને શિખર ધવન (34)ની જોડીએ 7.1 ઓવરમાં 56 રન કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સન 3 રન કરી શક્યો હતો. શાકીબ અલ હસને 28, દીપક હુડાએ 19, યુસુફ પઠાણે 3, કાર્લોસ બ્રેથવેઈટે 8 રન કર્યા હતા.

રાશીદ ખાનને શાબાશી આપવા દોડી આવ્યા છે હૈદરાબાદના ખેલાડીઓ

કોલકાતાનો ઓપનર ક્રિસ લીન – 48 રન કર્યા

હૈદરાબાદનો સિદ્ધાર્થ કૌલ – બે વિકેટ લીધી

રાશીદ ખાન બેટિંગમાં પણ ચમક્યો