ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 203 રનથી હરાવી ભારતે સીરિઝને જીવંત રાખી

0
1080

નોટિંઘમ – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આજે અહીં ટ્રેન્ટબ્રિજ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 203 રનથી પછાડીને મહત્ત્વની જીત હાંસલ કરી છે. પાંચ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની સરસાઈ ઘટીને 2-1 થઈ છે. આજે પાંચમા અને છેલ્લા દિવસે મેચ જીતીને કોહલી અને એના સાથીઓએ શ્રેણીને જીવંત રાખી છે.

ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 521 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ છે. ઈંગ્લેન્ડે ગઈ કાલે ચોથા દિવસને અંતે 9 વિકેટે 311 રન કર્યા હતા. આદિલ રશીદ અને જેમ્સ એન્ડરસને અધૂરો દાવ આજે આગળ વધાર્યો હતો. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એન્ડરસનને (11) રહાણેના હાથમાં ઝીલાવીને મેચનો અંત લાવી દીધો હતો. ગઈ કાલે રશીદ 30 અને એન્ડરસન 8 રન સાથે દાવમાં હતો.

વિરાટ કોહલીને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે. એણે ભારતની આ જીત કેરળમાં વિનાશકારી પૂરમાં માર્યા ગયેલાઓને અર્પણ કરી છે.

ઈંગ્લેન્ડના બીજા દાવના ટૂકડે ટૂકડા કરનાર ભારતનો બોલર છે જસપ્રીત બુમરાહ. એ 85 રનમાં પાંચ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડે 62 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ બેન સ્ટોક્સ (62) અને વિકેટકીપર જોસ બટલર (106)ની જોડીએ ભારતના બોલરોનો ખૂબ પ્રતિકાર કર્યો હતો, પણ અંતિમ સત્રમાં ફાસ્ટ બોલર બુમરાહ મોટા પાયે ત્રાટક્યો હતો અને બટલર, જોની બેરસ્ટો (0) અને ક્રિસ વોક્સ (4)ની વિકેટ પાડી દેતાં ઈંગ્લેન્ડ પરાજય તરફ ધકેલાયું હતું. બુમરાહે કારકિર્દીમાં આ બીજી વાર દાવમાં પાંચ-વિકેટનો દેખાવ કર્યો છે.

હાર્દિક પંડ્યાએ બેન સ્ટોક્સને આઉટ કરી જીત ભણી ભારતની દોટની ગતિ વધારી હતી, પણ આદિલ રશીદ અને સ્ટુઅર્ટ બ્રોડ (20)ની જોડી 50 રનની ભાગીદારી કરીને બોલરોને હંફાવ્યા હતા. 291 રનના સ્કોર પર બુમરાહે બ્રોડને આઉટ કરતાં ભારત જીતથી માત્ર એક જ વિકેટ દૂર રહ્યું, પણ રશીદની સાથે જોડાયેલા એન્ડરસને પણ 16 બોલનો સામનો કર્યો અને ભારતનો વિજય લંબાઈ ગયો. રશીદ અત્યાર સુધીમાં 55 બોલનો સામનો કરી ચૂક્યો છે.

સવારે, ઈશાંત શર્માએ કીટન જેનિંગ્સ (13) અને એલેસ્ટર કૂક (17)ને આઉટ કરી ભારત માટે વિજયના દ્વાર ખોલી આપ્યા હતા. કેપ્ટન જો રૂટ (13) બુમરાહનો પહેલો શિકાર બન્યો હતો. મોહમ્મદ શમીએ ઓલી પોપને 16 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો.