વાઈસ-કેપ્ટન રહાણેનાં પિતાએ કાર નીચે મહિલાને કચડી નાખી, પોલીસ કેસ થયો

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેના પિતાએ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એમની કાર વડે એક મહિલાને કચડી નાખતાં એમની સામે પોલીસ કેસ થયો છે.

આ ઘટના ગુરુવારે બપોરે કોલ્હાપુર જિલ્લાના કગલ ગામ નજીક હાઈવે પર બની હતી. મધુકર રહાણે (54) મુંબઈથી કોંકણ વિસ્તારમાં આવેલા એમના વતન ગામ તરફ એમના પરિવારની સાથે કારમાં જતા હતા. એ પોતે કાર હંકારતા હતા. એમની કાર નીચે 67 વર્ષીય આશાબાઈ કાંબળે નામની મહિલા કચડાઈ જતાં એનું મરણ નિપજ્યું હતું.

કાંબળે ઈચલકરંજીમાં સાવિત્રીનગરનાં રહેવાસી હતાં. એ રસ્તો ઓળંગતાં હતાં ત્યારે મુંઝાઈ જતાં રસ્તાની વચ્ચે ઉભાં રહી ગયાં હતાં ત્યારે રહાણેની કાર એમની સાથે અથડાઈ હતી.

કાર નીચે કચડાઈ ગયેલી તે મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ત્યાં સારવાર દરમિયાન સાંજે સાત વાગ્યાની આસપાસ એનું મૃત્યુ થયું હતું.

મધુકર રહાણે સામે કોઈનો જાન જોખમમાં મૂકવા અને બેદરકારીપૂર્વક કોઈનું મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મધુકર રહાણેને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. આ ગુનો જામીનપાત્ર હોઈ એમને ક્રિમિનલ પ્રોસીજર કોડની 41-1 કલમ હેઠળ નોટિસ આપવામાં આવી છે. એમણે પોતાના વકીલની સાથે કોર્ટમાં હાજર થવાનું રહેશે.

અજિંક્ય રહાણે હાલ શ્રીલંકા સામે વન-ડે સિરીઝમાં રમી રહ્યો છે.