ટેબલ ટેનિસ ટીમનું અપમાન થયા બાદ એર ઈન્ડિયાએ માફી માગી

નવી દિલ્હી – કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસની રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર મનિકા બત્રા સહિત ભારતીય ટેબલ ટેનિસ ટીમને મેલબોર્ન જતી ફ્લાઈટમાં પોતાના અધિકારીઓએ અટકાવ્યા બાદ થયેલા ઉહાપોહને પગલે એર ઈન્ડિયાએ આજે માફી માગી છે.

મનિકા બત્રા

ભારતીય ટેબલ ટેનિસ ટીમ રવિવારે દિલ્હીથી મેલબોર્ન જઈ રહી હતી ત્યારે રોકવામાં આવી હતી. એ સંઘમાં, 17 ખેલાડીઓ અને અધિકારીઓ હતા.

ટીમ મેલબોર્નમાં ITTF વર્લ્ડ ટૂર દ્વારા આયોજિત ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી હતી.

મનિકા બત્રા, મૌમા દાસ, શરત કમલ, મધુરીકા, હરમીત, સુતરિતા, સાત્યન તથા સાથી ખેલાડીઓને એમ કહીને વિમાનમાં ચડવા દેવામાં આવ્યા નહોતા કે વિમાનમાં બધી સીટ ફૂલ થઈ ગઈ છે. 17 જણના ભારતીય સંઘમાંથી 10 જણને વિમાનમાં ચડવાની પરવાનગી અપાઈ હતી જ્યારે સાત જણને અપાઈ નહોતી.

ટીમનું અપમાન કરાયા બાદ મનિકા બત્રાએ ટ્વિટર પર ઘટનાનો ઘટસ્ફોટ કર્યો હતો અને ફરિયાદ કરી હતી. એણે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર તથા વડા પ્રધાન કાર્યાલયને ટેગ કર્યા હતા.

મનિકાએ કહ્યું કે અમે જ્યારે એર ઈન્ડિયાના કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે અેમ જણાવાયું હતું કે વિમાનની સીટ્સ બુક થઈ ગઈ છે. માત્ર 10 જણ જ જઈ શકશે.

આની જાણ થતાંવેંત ડાયરેક્ટર જનરલ ઓફ સ્પોર્ટ્સ ઈન્ડિયા (અગાઉની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નીલમ કપૂરે તત્કાળ પગલાં લીધા હતા અને ટીમ માટે રવિવારે મોડી રાતે જ વૈકલ્પિક ફ્લાઈટમાં બેસવાની વ્યવસ્થા કરાવી આપી હતી.