અફઘાનિસ્તાન તેની સૌપ્રથમ ટેસ્ટ મેચ ભારત સામે, ભારતમાં રમશે

મુંબઈ – અફઘાનિસ્તાન તેની સૌપ્રથમ ટેસ્ટ મેચ ભારત સામે રમશે અને તે મેચ ભારતમાં રમાશે. આ સમાચારને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સમર્થન આપ્યું છે. બોર્ડની આજે સ્પેશિયલ ગવર્નિંગ બોડી મીટિંગ મળી હતી અને એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાન તેની પહેલી ટેસ્ટ મેચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમશે એવું નિર્ધારિત હતું, પરંતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક સંબંધો રહ્યા હોવાથી અફઘાનિસ્તાનની પહેલી મેચ ભારત સામે અને ભારતમાં રમાડવાનો અમે નિર્ણય લીધો છે, એમ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અતીફ માશલ અને સીઈઓ શફિકુલ્લાહ સ્ટાનિકઝાઈ મુંબઈમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને મળ્યા હતા અને એમના દેશની પહેલી ટેસ્ટ મેચ ભારત સામે રમાડવામાં આવે એવી વિનંતી કરી હતી. બીસીસીઆઈએ તે વિનંતીનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને આયરલેન્ડને આ વર્ષના જૂનમાં ટેસ્ટ ટીમનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આયરલેન્ડ તેની પહેલી ટેસ્ટ મેચ આવતા વર્ષના મે મહિનામાં પાકિસ્તાન સામે, પાકિસ્તાનમાં રમવાનું છે.