કેપટાઉનમાં જાડેજા બીમાર છે, ધવન ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ ગયો; શુક્રવારથી પહેલી ટેસ્ટ

કેપટાઉન – આવતા શુક્રવારથી અહીં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે તે પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બે દિવસથી વાઈરલ તાવમાં પટકાયો છે, જ્યારે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઘૂંટીમાં થયેલી ઈજામાંથી સાજો થઈ ગયો છે.

રવિન્દ્ર જાડેજા

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જાહેરાત કરી છે કે એની મેડિકલ ટીમે ફ્લૂમાં પટકાયેલા જાડેજાને સારવાર માટે કેપટાઉનમાંની હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. એ બે દિવસમાં સાજો થઈ જવાની ધારણા છે.

બીસીસીઆઈ મેડિકલ ટીમ જાડેજાના સ્વાસ્થ્ય પર સતત નિરીક્ષણ રાખી રહી છે.

જાડેજાને પહેલી ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવો કે નહીં એનો નિર્ણય શુક્રવારે સવારે જ લેવામાં આવશે.

દરમિયાન, ડાબોડી બેટ્સમેન ધવને આજે ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં સવારના ટ્રેનિંગ સત્રમાં નેટ્સમાં હાજરી આપી હતી. એનાથી સાબિત થયું હતું કે એ ઘૂંટીની ઈજામાંથી સાવ સાજો થઈ ગયો છે. એ હવે પહેલી ટેસ્ટમાં રમવા સજ્જ થઈ ગયો છે.

ભારતે ત્રણમાંથી બે ઓપનર પર પસંદગી ઉતારવી પડશે. ધવન ઉપરાંત અન્ય બે છે – મુરલી વિજય અને લોકેશ રાહુલ.

ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટેની ભારતીય ટીમ આ છેઃ
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિનન, રવિન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રિત બુમરાહ.