ક્રિકેટ વર્લ્ડ કપ 2019: ભારતનો પ્રથમ મુકાબલો 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે

મુંબઈ – 2019માં યોજનાર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોની વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ બીજી જૂનને બદલે પાંચમી જૂને રમશે. એ મેચ દક્ષિણ આફ્રિકા સામેની હશે. આઈપીએલ-12ની ફાઈનલ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે 15-દિવસનું અંતર ફરજિયાત રાખવાનો લોઢા સમિતિએ નિયમ બનાવ્યો છે, જેનું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાલન કરવું પડશે.

2019ની વર્લ્ડ કપ સ્પર્ધા 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં રમાશે.

2019ની આઈપીએલ સ્પર્ધા 29 માર્ચથી 19 મે સુધી રમાનાર છે, પરંતુ બીસીસીઆઈ માટે બે સ્પર્ધા વચ્ચે 15-દિવસનો ગાળો રાખવાનું સુપ્રીમ કોર્ટે નીમેલી લોઢા સમિતિએ ફરજિયાત બનાવ્યું હોવાથી ભારતીય બોર્ડે વર્લ્ડ કપમાં પોતાની ટીમની પહેલી મેચને ત્રણ દિવસ મોડી રાખવાની વર્લ્ડ કપ આયોજક આઈસીસી સંસ્થાને વિનંતી કરી હતી, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે આઈસીસીના અધિકારીઓ આ સંસ્થા દ્વારા યોજિત અનેક મોટી સ્પર્ધાઓનો આરંભ ભારત-પાકિસ્તાન મેચથી કરતા રહ્યા છે. એમનો હેતુ વધુ લોકો મેચ જોવા આવે અને ટિકિટો ચપોચપ વેચાઈ જાય. 2015ની વર્લ્ડ કપ (ઓસ્ટ્રેલિયા-એડીલેઈડ) અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી (ઈંગ્લેન્ડ, બર્મિંઘમ)માં એમણે એવી રીતે કાર્યક્રમ ઘડ્યો હતો, પણ આ વખતે પહેલી મેચ ભારત-પાકિસ્તાનની રાખી નથી. આનું કારણ એ છે કે આ વખતની ફોર્મેટ રાઉન્ડ રોબિન હશે, જેમાં બધી ટીમોએ 1992ની વર્લ્ડ કપની જેમ એકબીજા વિરુદ્ધ રમવાનું આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 16 જૂને રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે બીજો મહત્વનો નિર્ણય એ લીધો છે કે ભારતીય ટીમ એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ નહીં રમે. માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો સમાવેશ કરાયો નથી. વર્લ્ડ ટેસ્ટ સ્પર્ધામાં બધી મેચો દિવસની જ હશે અને એ લાલ બોલથી રમાડાશે. ભારતની દલીલ છે કે જો ગુલાબી બોલથી મેચ રમાડવાની ન હોય તો વર્લ્ડ ટેસ્ટ સ્પર્ધાની તૈયારીનો કોઈ મતલબ જ રહેતો નથી.

વર્લ્ડ કપમાં 10 ટીમ રમશે. ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુ ઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન.

પહેલી મેચ ઓવલમાં રમાશે અને ફાઈનલ મેચ લોર્ડ્સમાં રમાશે. રાઉન્ડ રોબિન લીગ તબક્કામાં ટોચની 4 ટીમ નોકઆઉટ તબક્કામાં જશે જ્યાં બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે. કુલ 48 મેચો રમાશે.

ઈંગ્લેન્ડમાં આ પાંચમી વાર વર્લ્ડ કપ યોજાશે. તે આ પહેલાં 1975, 1979, 1983 અને 1999માં આ સ્પર્ધા યોજી ચૂક્યું છે.