શેરબજારમાં છ દિવસની તેજીને બ્રેકઃ સેન્સેક્સ 53 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં એકતરફી તેજીને બ્રેક વાગી છે. તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલીથી પ્રત્યાઘાતી નરમાઈ આવી હતી. સતત છ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બનાવ્યા હતા, પણ આજે સેન્સેક્સ અને નિફટીએ કોઈ નવા લેવલ બતાવ્યા હતા. સવારથી જ માર્કેટમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ પીએસયુ બેંક અને મેટલ શેરોમાં વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 53.03(0.16 ટકા) ઘટી 33,213.13 બંધ રહ્યો હતો. એનએસઈ નિફટી 28.35(0.27 ટકા) ઘટી 10,335.30 બંધ થયો હતો.અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઢીલા ખુલ્યા હતા. સવારથી લેવાલી અને વેચવાલીના એમ બે તરફી કામકાજ જોવાયા હતા. પણ સતત છ દિવસથી સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બનાવતા હતા, જેથી આજે ટેકનિકલી રીએક્શન આવવાની અપેક્ષા રખાતી હતી. જે મુજબ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

  • એક્સિસ બેંકમાં બેન કેપિટલ દ્વારા 5 ટકા હિસ્સો ખરીદવાના સમાચાર પાછળ એક્સિસ બેંકના શેરોમાં 8.50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
  • નિફટી 50ના 36 સ્ટોક ઘટાડા સાથે બંધ રહ્યા હતા, 17 સ્ટોક મજબૂત બંધ રહ્યા હતા.
  • અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રીલાયન્સ કોમ્યુનિકેશન દેવું ઘટાડવાના નવા પ્લાનને પગલે આર કોમમાં ભારે લેવાલી આવી હતી. રીલાયન્સ કોમ્યુનિકેશનનો શેર 16.60 ખુલીને જોરદાર લેવાલીથી વધી રૂ.18.20 થઈ અને અંતે 17.15 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સામે 9.24 ટકાનો ઉછાળો દર્શાવે છે.
  • આજે ઓટોમોબાઈલ, ફાર્મા, આઈટી, મેટલ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના સ્ટોક નરમ બંધ રહ્યા હતા.
  • જ્યારે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં સામાન્ય લેવાલીના ટેકાથી મજબૂતી રહી હતી.
  • રોકડાના શેરોમાં તેજીની આગેકૂચ જળવાયેલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 22.66 પ્લસ બંધ હતા.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 80.74 ઊંચકાયો હતો.
  • એસ્કોર્ટનો બીજા ત્રિમાસિક ગાળામાં નફો બે ગણો વધી રૂ.77.5 કરોડ થયો છે. કુલ આવક 23.3 ટકા વધી રૂ.1211.70 કરોડ નોંધાઈ હતી.
  • આઈડીબીઆઈ બેંકને બીજા કવાર્ટરમાં રૂ.197.80 કરોડની ખોટ થઈ છે. જો કે બેંકને વ્યાજની આવક 3.7 ટકા વધી રૂ.1657.40 કરોડ થઈ છે.
  • ડાબર ઈન્ડિયાનો નફો 1.2 ટકા વધી રૂ.362.70 નોંધાયો છે. જો કે કુલ આવક 1.1 ટકા ઘટી રૂ.1959 કરોડ રહી છે.
  • ડૉ. રેડ્ડી લેબનો નફો 3.4 ટકા ઘટી રૂ.285 કરોડ થયો છે. કુલ આવક 1.1 ટકા ઘટી રૂ.3546 કરોડ રહ્યો છે.
  • આવતીકાલ બુધવાર પહેલી નવેમ્બરથી ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનો આઈપીઓ ખૂલી રહ્યો છે. આ ઈસ્યુ 3 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપની આઈપીઓ દ્વારા 10,000 કરોડ એકઠા કરશે, નવા શેરની પ્રાઈઝ બેન્ડ રૂ.770-800 નક્કી કરાઈ છે. શેરનો માર્કેટ લોટ 18 નક્કી કરાયો છે.