શિવસેના હિન્દુત્વના મુદ્દે ગુજરાતમાં લડશે ૭૦ બેઠકો પર ચૂંટણી

અમદાવાદ – મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી રાજકીય પક્ષ શિવસેનાએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૭૦-૭૫ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બાલ ઠાકરેએ સ્થાપેલી આ પાર્ટી હિન્દુત્વના મુદ્દે આ ચૂંટણી લડશે, કારણ કે એનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમુદાયના લોકોની લાગણીના મૂળ જૂના ઉદ્દેશ્યને ભૂલી ગઈ છે.

અનિલ દેસાઈઃ શિવસેનાના રાષ્ટ્રીય સચિવ, સંસદસભ્ય

શિવસેનાના રાષ્ટ્રીય સચિવ અને રાજ્ય સભાના સદસ્ય અનિલ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણી લડવાના છીએ. હિન્દુત્વનો મુદ્દો શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી અગ્રસર રહ્યો છે. અમારું માનવું છે કે લોકોએ ભાજપાને જેને માટે મત આપ્યો હતો તે મૂળ એજન્ડા – હિન્દુત્વને ભૂલી ગઈ છે. અમે આપણા ધર્મની રક્ષા માટે ચૂંટણી લડવાના છીએ. એ જ અમારો મુખ્ય એજન્ડા રહેશે.

ગુજરાતમાં ચૂંટણી શાસક ભાજપના ટેકા વગર કે એને ટેકો આપ્યા વગર એકલે હાથે લડવાનો નિર્ણય લઈને શિવસેનાએ જોરદાર પલટી મારી છે.

શિવસેનાનો આ નિર્ણય ભાજપ માટે કડવા પડકાર સમાન છે.

ગુજરાતમાં શિવસેનાનું કંઈ ઉપજતું નથી, પણ ભાજપનો ભાગીદાર હોઈ એનું અમુક મહત્વ જરૂર છે. મહારાષ્ટ્રમાં ભાજપના વલણથી નારાજ શિવસેનાએ હવે છેલ્લા અમુક વખતથી ભાજપ-વિરોધી ભૂમિકા શરૂ કરી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારમાં પણ શિવસેના ભાગીદાર છે, પરંતુ શિવસેના પક્ષ અવારનવાર જાહેરમાં ભાજપની નેતાગીરી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયોની ટીકા કરતો આવ્યો છે.