સેન્સેક્સ 33,600 અને નિફટી 10,440 ઑલ ટાઈમ હાઈ બંધ

અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટીએ લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના રેન્કિંગ્સમાં ભારતે 30 સ્થાનનો ઉછાળો નોંધાવ્યો છે, જે સમાચાર પાછળ શેરોની જાતે-જાતમાં જોરદાર નવી લેવાલી આવી હતી, અને માર્કેટમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. તેજીવાળા ઓપરેટરોએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. પરિણામે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,651.52 અને નિફટીએ 10,451.65 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 387.14(1.17 ટકા) ઉછળી 33,600.27 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો. તેમજ નિફટી 105.20(1.02 ટકા) ઉછળી 10,440.50 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો.આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પણ ઊંચકાઈને આવ્યા હતા. જેથી સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ નવા ઊંચા મથાળે જ ખુલ્યા હતા. પીએસયુ બેંકોની સાથે એફએમસીજી, મેટલ અને રીઅલ્ટી સેકટરના શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ અને નિફટી ઝડપથી ઊંચકાયા હતા. ગઈકાલે મંગળવારે સ્ટોક માર્કેટમાં ટેકનિકલી રીએક્શન આવ્યું હતું. જે પછી આજે તેજી થતાં માર્કેટના નિષ્ણાતોના મતે તેજી નક્કર કારણોથી આગળ વધી રહી છે.

  • આજે હેવી વેઈટેજ ધરાવતા શેર ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એચડીએફસી, એચયુએલ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઈટીસી અને ઈન્ફોસીસ જેવા શેરોમાં ભારે ખરીદીથી રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી.
  • બીએસઈની કુલ માર્કેટ કેપ 145 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે.
  • 180થી વધુ સ્ટોક નવી હાઈ પર પહોચી ગયા હતા.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસમાં ખુલ્યા
  • રોકડાના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 58.63 પ્લસ બંધ રહ્યો
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ વધુ 96.69 વધ્યો હતો.
  • ટેક મહિન્દ્રાનો બીજા કવાર્ટરમાં નફો 4.7 ટકા વધી રૂ.836 કરોડ નોંધાયો હતો. તેમજ કુલ આવક 3.7 ટકા વધી રૂ.7,606 કરોડ થઈ હતી.
  • શ્રી રામ ટ્રાન્સપોર્ટનો નફો 24 ટકા વધી રૂ.479.10 કરોડ આવ્યો હતો.