ત્રણ દિવસની રજા અગાઉ શેરબજારમાં નફારૂપી વેચવાલી

અમદાવાદ– શેરબજારમાં આજે શુક્રવારે બે તરફી વધઘટે સામાન્ય સુધારો રહ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી આવતી હતી, જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. એફઆઈઆઈ નેટ સેલર હતી. તેમજ સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલીને કારણે માર્કેટ ટકી ગયું હતું. શેરબજારમાં ત્રણ દિવસની રજા એટલે કે શનિ, રવિ અને સોમવારે બીજી ઓકટોબરને ગાંધી જયંતિની રજા હોવાથી પણ સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી બે બાજુના કામકાજ વચ્ચે શેરોના ભાવ અને ઈન્ડેક્સ બે બાજુની વધઘટમાં અથડાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1.24 વધી 31,283.72 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 19.65(0.20 ટકા) વધી 9788.60 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા ખુલ્યા હતા. શરૂમાં ટેકારૂપી લેવાલીથી ઈન્ડેક્સ વધુ વધ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, તેમ છતાં ભારતીય શેરોમાં વધ્યા મથાળે વેચવાલી ફરી વળી હતી. જેથી આવેલો સુધારો ધોવાઈ ગયો હતો.

  • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 5328 કરોડનું નેટ સેલીંગ કર્યું હતું, સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 5196 કરોડની ખરીદી કરી હતી.
  • ગેસની કીમતોમાં વધારો થવાની સંભાવના પાછળ ગેઈલમાં ભારે લેવાલીથી 5.75 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • આજે એફએમસીજી, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ઈન્ડેક્સ માઈનસ બંધ હતા.
  • રોકડાના શેરોમાં પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, તેમ છતાં બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 126.72 પલ્સ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 174.16 ઊંચકાયો હતો.
  • દેશમાં ચોમાસું સમાપ્ત થવાને આરે છે. પણ ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફરીથી વરસાદ આવ્યાના સમાચાર છે. આ વર્ષે દેશમાં અંદાજે સરેરાશ 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતના કર્ણાટક અને તેલંગાણામાં ઓછા વરસાદથી સ્થિતી ચિંતાજનક છે.
  • આઈએફસીઆઈએ નોન-કોર એસેટ્સ વેચવાની શરૂઆત કરી છે. આઈએફસીઆઈએ ટુરિઝમ ફાયનાન્સમાં 24 ટકા હિસ્સો રૂપિયા 155.50 પ્રતિશેરના ભાવે વેચ્યો છે.