રાહુલ ગાંધી 2 નવેમ્બરે વલસાડના નાનાપોંઢામાં ગજવશે સભા

વલસાડ– કોંગ્રેસના ગઢ ગણાતી વલસાડ જિલ્લાની કપરાડા-નાનાપોંઢા વિધાનસભામાં આગામી 2જી નવેમ્બરે કોંગ્રેસના રાહુલ ગાંધી રોડ શૉ, જાહેરસભા અને મીટિંગ યોજી વિધાનસભા ચૂંટણી પ્રચારને તેજ કરશે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી રાહુલ ગાંધી પ્રથમવાર પ્રચાર માટે આવી રહ્યા છે, ત્યારે હવે રાજકીય ક્ષેેત્રે વધુ વાતાવરણ ગરમ બની જશે. કપરાડા નાનાપોંઢા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી વાસદાથી રોડ શૉ સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવશે, ત્યાથી કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોંઢા ખાતે બપોરે 3 વાગ્યા આસપાસ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે માટે કોંગ્રેસી કાર્યકરોમાં ભરપૂર ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને સભા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ ગાંધીની જનસભામાં અંદાજે 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. જે માટે નાનાપોંઢા ખાતે વિશાળ મેદાનમાં તમામ કામગીરી ચાલી રહી છે.
રાહુલગાંધી નાનાપોંઢાથી વાપી ખાતે સમાજના બુધ્ધિજીવી વર્ગ સાથે ખાસ બેઠક પણ યોજવાના હોવાની વિગતો મળી રહી છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યા બાદ અને મતદાનની તારીખો જાહેર થયા બાદ વલસાડ જિલ્લામાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે રાહુલ ગાંધી 2જી નવેમ્બરે ભાજપ પર કેવા પ્રહારો કરશે તેના પર સૌની મીટ મંડાઇ છે.