ગુજરાતને કોઈ કીમત પર ખરીદી શકાશે નહીઃ રાહુલ ગાંધી

અલ્પેશ ઠાકોરને રાહુુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સર્કિટ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક કર્યા બાદ ગાંધીનગરમાં રાહુલ ગાંધીની એક સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, તો આ સાથે જ ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. રાહુલ ગાંધીએ અલ્પેશને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમને કોંગ્રેસમાં આવકાર્યા હતા.

રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા ભાજપમાં જોડાયેલા બે પાટીદાર કાર્યકરોએ ભાજપ સાથેનો છેડો ફાડયો છે. નરેન્દ્ર પટેલે તો ભાજપ દ્વારા તેમને એક કરોડ રૂપિયા આપવાના કહ્યા હતા, અને પ્રેસ કોન્ફરન્સમાં 10 લાખ રૂપિયા ભાજપ તરફથી મળ્યા હોવાનું કહી આરોપ મુક્યો હતો. તેના 24 કલાકમાં નિખિલ સવાણી પણ 15 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા, તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાંથી રાજીનામુ ધરી દીધું હતું. આમ ભાજપને ઉપરાઉપરી બે ફટકા પડ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાત તો અમુલ્ય છે, તેને કોઈ ખરીદી શકતું નથી.

જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી વચ્ચે તાજ હોટલમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટેનો તખ્તો ઘડાયો હતો. જો કે હાર્દિક પટેલે બાદમાં ફેસબુક પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે મે રાહુલ ગાંધી સાથે મુલાકાત નથી કરી. તેમજ સભામાં હાજરી આપે તે પહેલા અલ્પેશ ઠાકોર સાથે પણ બેઠક થઈ હતી. તેમજ રાહુલ ગાંધીએ બીજુ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં અમે તમારા મનની વાત સાંભળીશું.

રાહુલ ગાંધીનું સંબોધન

  • રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત જય માતાજીથી કરી હતી.
  • ગુજરાતમાં એવો એક વ્યક્તિ નથી જે કોઈ આંદોલનમાં શામેલ ન હોય.
  • ગુજરાતમાં ગુજરાતની જનતાની સરકાર નથી ચાલી માત્ર 10-15 ઉદ્યોગપતિઓની સરકાર ચાલી છે. એટલે જ ગુજરાતના લોકોને આજે આંદોલન કરવું પડી રહ્યું છે.
  • મોદીજી… મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે પણ ગુજરાતમાં આજે 30 લાખ બેરોજગાર યુવાનો છે. દરરોજ ભારતમાં 30 હજાર યુવાનો રોજગારી શોધવા નિકળે છે, પણ તેમને રોજગારી મળતી નથી.
  • મોદી સરકાર 24 કલાકમાં 30 હજાર બેરોજગારોમાંથી 450 લોકોને જ બેરોજગારી આપે છે.
  • ગુજરાતીઓનો અવાજ કોઈ સામાન્ય અવાજ નથી, આ અવાજને દબાવી પણ નહી શકાય કે ખરીદી પણ નહી શકાય. ગમે તેટલા કરોડો રૂપિયા ખર્ચી નાંખશો, તો પણ ગુજરાતીઓના અવાજને દબાવી કે ખરીદી નહી શકો.
  • મોદીજી આખા દેશને પોતાના મનની વાત કરે છે પણ હું આજે દિલથી તમને ગુજરાતીઓના દિલની વાત કરીશ. ગુજરાતના યુવાનો સારૂ શિક્ષણ માંગે છે તમે ગુજરાતની યુનિવર્સીટીઓને ઉદ્યોગપતિઓના હાથમાં નાંખી દીધી છે. યુવાનો જ્યાં પણ એડમીશન લેવા જાય છે ત્યાં તેમની પાસે લાખો રૂપિયાનું ડોનેશન માંગવામાં આવે છે તો આવી સ્થિતીમાં યુવાનો કેવી રીતે ભણી શકશે ?
  • ગુજરાતમાં માત્ર અમીરોનું દેવુ માફ થશે, ગરીબ ખેડુતોનું દેવુ માફ નહી થાય.
  • મોદીજી.. તમે નેનોને 35 હજાર કરોડ રૂપિયા આપ્યા. આટલા પૈસામાં તો આખા ગુજરાતના ખેડુતોનું દેવુ માફ થઈ જાત. તમે ખેડુતોની વિજળી અને ખેડુતોનું પાણી નેનોને આપ્યું છે.
  • પીએમ મોદીએ ગુજરાતની જનતાને માત્ર હેરાન કરવાનું કામ કર્યું છે
  • મોદીજી તમે કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી તો પછી જય શાહ વિશે કેમ કશું બોલતા નથી? ગુજરાતમાં તમે આવડા મોટા ભાષણો કર્યા તો જય શાહ અંગે પણ એક વાક્ય કહી દો.
  • કોંગ્રેસ પાર્ટી બધાની પાર્ટી છે અને હું અહીંયા ગુજરાતના યુવાનોના દિલમાં રહેલા દર્દને સાંભળવા માટે આવ્યો છું. હું તમારા માટે જે પણ કંઈ કરી શકું તે પૂરા દિલથી કરવા તૈયાર છું.
  • હું તમને વિશ્વાસ અપાવું છું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તે ગુજરાતની જનતાની સરકાર હશે, ખેડુતોની સરકાર હશે, યુવાનોની સરકાર હશે.
  • રાહુલ ગાંધીએ નોટબંધી વિશે બોલતા જણાવ્યું કે ગત વર્ષે 8 નવેમ્બરના રોજ મોદીજી ટીવી પર આવ્યા અને કહ્યું કે આજે રાત્રે હું 500 અને 1000ની નોટ બંધ કરવા જઈ રહ્યો છે. નોટબંધી બાદ બે ત્રણ દિવસ તો મોદીજીને પણ ન સમજાયું કે શું થયું? પાંચ છ દિવસ બાદ તેમને સમજાયું કે ભાઈ આતો ખોટું થયું.
  • રાહુલે જીએસટી પર બોલતા જણાવ્યું કે જીએસટી કોંગ્રેસ પાર્ટીનો વિચાર છે. અમે સરકારને કહ્યું કે તમે પહેલા શાંતીથી અભ્યાસ કરો અને પછી લાગુ કરો જેથી દેશને નુકસાન ન થાય. પરંતુ સરકારે અમારી વાત ન માની અને તુરંત જ જીએસટી લાગું કરી દીધું. આ માટે વાત કરવા માટે અમે લોકોએ ચિદમ્બરમે મોકલ્યા હતા, પરંતુ મોદી સરકારે અમારી વાત ન માની.
  • રાહુલ ગાંધીએ જીએસટીનું ફુલ ફોર્મ “ગબ્બર સિંહ ટેક્સ” આપ્યું.
  • રાહુલે જણાવ્યું કે જીએસટી સરળ બનાવવું પડશે નહી તો દેશને બહુ મોટું નુકસાન થશે.
  • 15 લાખના વાયદા વિશે બોલતા જણાવ્યું કે 15 લાખની વાતો માત્ર વાતો હતી અને ચૂંટણી જીતવાનું એક ઠાલું વચન હતું.
  • રાહુલે સંબોધનના અંતે જણાવ્યું કે હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, આ સરકાર તમારી પોતાની સરકાર હશે, યુવાનો, ખેડુતો અને બેરોજગારોની સરકાર હશે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)