PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા

અમદાવાદ– પીએમ નરેન્દ્ર મોદી આજ શનિવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસમાં તેઓ અંદાજે 6 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ જાહેર સભાને સંબોધન કરશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 8 ઓકટોબરે સૌપ્રથમ વખત વડનગર જવાના છે. વડનગરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. ચારેકોર રોશની કરાઈ છે, વડનગરમાં દીવાળી જેવો માહોલ સર્જાયો છે. એક જ મહિનામાં ત્રીજી વખત મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમનો ટાર્ગેટ ગુજરાતમાં ભાજપને 150 પ્લસ બેઠકો મેળવવાનો છે. જેથી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પીએમ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરીને ગુજરાતને નવા વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે. અને સાથે જાહેર સભાને સંબોધન કરીને પ્રજા સમક્ષ ત્રણ વર્ષનો હિસાબ અને સરકારની યોજનાઓ રજૂ કરી રહ્યા છે.વડાપ્રધાન મોદી જામનગર આવી પહોંચ્યા હતા, ત્યાં એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.