PM મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ઓકટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરશે, અને ત્યારબાદ બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમ જ પીએમ મોદી રાજકોટમાં નવા એરપોર્ટનું ભૂમિપૂજન કરશે. મોદી 8 ઓકટોબરે વડનગરની મુલાકાત લેશે.

પીએમ નરેન્દ્ર મોદીનો બે દિવસના ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જાહેર થતાની સાથે તંત્રએ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. એકતરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગવાની તૈયારીઓ છે. ચૂંટણીપંચ ચૂંટણી કરાવવા માટે તમામ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસ અને ભાજપે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. તાજતેરમાં રાહુલ ગાંધી ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવીને ગયા, ત્યાર પછી હવે પીએમ મોદીનો કાર્યક્રમ ગોઠવાયો છે. અને સૌરાષ્ટ્રમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાશે. જેથી સૌરાષ્ટ્રના લોકોને ભેટ આપીને પીએમ મોદી વિકાસના નામે મત માંગશે.

પીએમ મોદીનો વિગતવાર કાર્યક્રમ

  • તારીખ 7-8 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે
  • 7મીએ PM મોદી સવારે 10 કલાકે પહોંચશે જામનગર
  • જામનગરથી વડાપ્રધાન જશે દ્વારકા
  • દ્વારકાધિશના દર્શન કરશે PM મોદી
  • દર્શન બાદ બેટદ્વારકા બ્રિજનું કરશે ખાતમુહૂર્ત
  • બપોરે 2 વાગ્યે ચોટીલા જશે પીએમ
  • હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું કરશે ભૂમિપૂજન
  • ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે પીએમ મોદી
  • ચોટીલાથી સાંજે પીએમ મોદી જશે ગાંધીનગર
  • ગાંધીનગર IITના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ
  • રાજભવન ખાતે રાત્રિરોકાણ
  • 8મીએ સવારે પીએમ માદરેવતન વડનગર જશે
  • વડનગર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
  • બપોરે PM મોદી જશે ભરૂચ
  • રૂ.4,500 કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત
  • દહેજના ભાડભૂત ખાતે કોઝ્વે-વિયરનું ખાતમુહૂર્ત કરશે
  • સાંજે PM વડોદરાથી દિલ્હી જવા રવાના થશે