ગુજરાતઃ અનામત આંદોલનમાં સમાજ બદનામ થઈ રહ્યો છેઃ પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટી

અમદાવાદ– પાટીદાર ઓર્ગેનાઈઝનેશન કમિટીની અમદાવાદમાં નારણપુરામાં બેઠક મળી હતી. જેનો મુખ્ય મુદ્દો પાટીદાર ઓર્ગેનાઇઝશન કમિટી સંલગ્ન પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ તેમજ પાટીદાર આંદોલન, અનામત સમિતિ, સરદાર પટેલ ગૃપ કન્વીનરોની હાજરીમાં સરકાર સાથે અનામત આંદોલન બાબતે થયેલ સમાધાન ના મુદ્દાઓની સ્પષ્ટતા અને છણાવટ સાથે ચર્ચા કરાઈ હતી. તેમજ પાટીદાર સમાજ બદનામ ન થાય તે અંગે ચિંતા વ્યકત કરાઈ હતી. તેમજ હાર્દિક જેવા લોકોના જક્કી વલણને સમાજ તાબે ન થાય તે પણ જરૂરી છે.પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીની બેઠક બાદ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં પાટીદાર સમાજમાં મોટા પાયે એવો અવાજ ઉઠ્યો છે, કે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે. અનામતની આ માંગણીનું આંદોલન મિટીંગ, સભાઓ મંત્રણાઓ, દેખાવોથી ઉપર જઇ હિંસામાં પરિણમ્યું, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા અને અત્યાચાર પણ થયા.

2017 ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે પાટીદાર સમાજ કઇ રાજકીય પાર્ટી તરફ વળશે એ માટે રાજકારણ તેજ થઇ ગયું છે.

હાર્દિક પટેલ-લાલજી પટેલ જેવા કેટલાક યુવાનો પર આ અનામત આંદોલન પછી ફોકસ વધ્યુ છે. ત્યારે સમાજના એકદમ પરિપક્વ અને પ્રતિષ્ઠિત લોકો એવું ઇચ્છી રહ્યા છે કે યુવાનો અને સમાજ કોઇ રાજકીય પક્ષનો હાથો ના બની જાય અને બીજા સમાજથી વિમુખ ના થઇ જાય. તમામ લોકો સમાજ સાથે હળીમળીને રહે એ ખૂબ જરુરી છે. આ વાત આર પી. પટેલ અને પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટીના આગેવાનો એ પત્રકાર પરિષદમાં જણાવી હતી.

પટેલોને ઓબીસીમાં સમાવવા માટેની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે પણ EBC તેમજ અન્ય મુદ્દા પર કામ શરુ કરી માંગણીઓ સ્વીકારવાનો પ્રસ્તાવ પણ મુક્યો છે. દરેક વર્ગને શિક્ષણથી માંડી સ્વાસ્થ્ય સુધી તમામ ક્ષેત્રે મદદ કરતો પાટીદાર સમાજ બદનામ ન થાય અને હાર્દિક જેવા લોકોના જક્કી વલણને તાબે ન થાય એ જરુરી છે.
ઉમિયા માતાજી સંસ્થાન, ખોડલધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સમસ્ત પાટીદાર સમાજ, ઉમિયા માતાજી મંદિર- સીદસર, સરદાર ધામ -અમદાવાદ સંસ્થાના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત લોકો એ એક જ અવાજે કહ્યુંં કે પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ પણ રહે છે એટલે સૌ પ્રથમ સમાજમાં શાંતિ અને સમરસતા જળવાવી જોઇએ.
અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ