શેરબજારઃ નિફટી 10,191 રેકોર્ડ હાઈ, સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ- શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય બ્લુચિપ અન હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે આજે નિફટીએ ઈન્ટ્રા-ડેમાં 10,191.90 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. એફઆઈઆઈ નેટ સેલર હોવા છતાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોનું નવું બાઈંગ ચાલુ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 250.47(0.78 ટકા) ઉછળી 32,432.69 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 71.05(0.70 ટકા) ઉછળી 10,167.45 બંધ થયો હતો.

ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર પ્રોત્સાહક આવ્યો અને મોંઘવારીનો દર ઘટીને આવ્યો હતો. ઓગસ્ટમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન(આઈઆઈપી) 4.3 ટકા વધ્યો, જેમાં જૂનમાં નેગેટિવ ગ્રોથ હતો. જુલાઈમાં 0.9 ટકા હતો. તેમજ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 3.5 ટકાથી ઘટી 3.28 ટકા આવ્યો હતો. આમ સ્થાનિક માઈક્રો ઈકોનોમિક ડેટા પ્રોત્સાહક આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

નિફટીએ આજે જૂનો રેકોર્ડ તોડ્યો હતો. નિફટી 19 સપ્ટેમ્બરના રોજ 10,178.95ની હાઈ બનાવી હતી, આજે નિફટી ઈન્ડેક્સે જૂનો રેકોર્ડ તોડીને આજે ઈન્ટ્રા-ડેમાં 10,191.90 થયો હતો. આજે હેવી વેઈટ શેરોમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ અન રીલાયન્સમાં ભારે લેવાલી આવી હતી. જેથી ઈન્ડેક્સમાં ઝડપી તેજી જોવા મળી હતી.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સપ્ટેમ્બર કવાર્ટરના પરિણામો આજે જાહેર થનાર છે. જે પરિણામો પ્રોત્સાહક આવવાના આશાવાદ પાછળ રીલાયન્સમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.

  • આજે તેજી બજારમાં કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, ફાર્મા સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • તેની સામે બેંક, મેટલ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરો નવી લેવાલીથી લાઈમલાઈટમાં રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં છુટીછવાઈ લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 7.16 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 22.01 પ્લસ બંધ થયો હતો.
  • કર્ણાટક બેંકનો નફો 24.7 ટકા ઘટ્યો હતો.