ઉત્તરપ્રદેશ: સ્થાનિક ચૂંટણી માટે CM યોગીએ અયોધ્યાથી કર્યો પ્રચારનો પ્રારંભ

અયોધ્યા- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમની પ્રથમ પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છે. આ પરીક્ષા છે ઉત્તરપ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. જેમાં પ્રદેશની જનતી યોગી આદિત્યનાથને તેમના સાત મહિનાના કાર્યકાળને ધ્યાનમાં રાખીને સ્થાનિક ચૂંટણીમાં મત આપવો કે નહીં તે નક્કી કરશે.

રામ જન્મભૂમિ અયોધ્યામાંથી સ્થાનિક ચૂંટણીમાટે પ્રચારકાર્ય શરુ કરતી વખતે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, રામ વિના ભારતમાં કોઈ કામ શક્ય નથી. રામ અમારી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે. ભારતના લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ રામ સાથે જોડાયેલું છે.

રામ મંદિર વિવાદ પર શ્રી શ્રી રવિશંકર દ્વારા મધ્યસ્થી કરવાના પ્રસ્તાવ પર યોગી આદિત્યનાથે કહ્યું કે, વાતચીત માટે કરવામાં આવેલો કોઈપણ પ્રસ્તાવ આવકાર યોગ્ય છે. વધુમાં યોગીએ કહ્યું કે, વાતચીત ત્યારે જ શક્ય બને જ્યારે બન્ને પક્ષ ચર્ચા માટે તૈયારી દર્શાવે. આ સંદર્ભમાં બુધવારે યોગી આદિત્યનાથ શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજથી સ્થાનિક ચૂંટણી માટે પ્રચાર કાર્યની શરુઆત કરી રહ્યા છે. અને આ શરુઆત અયોધ્યાથી કરવામાં આવશે. જ્યાં યોગીએ આ વર્ષે દિપાવલી પર્વની ઉજવણી કરી હતી, એટલું જ નહીં આ વખતે અયોધ્યા નગરી તેના પ્રથમ મેયરની પણ ચૂંટણી કરશે.

શનિવારે યોગી એદિત્યનાથે સ્થાનિક ચૂંટણી અંગે ઘોષણાપત્ર જારી કરતા જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી સ્થાનિક ચૂંટણી તેમની પરીક્ષા છે, અને પ્રદેશની જનતા તેમના અત્યાર સુદીના કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમને મત આપશે.