દેહરાદૂનમાં મોદીએ ‘ચોથો વિશ્વ યોગ દિવસ’ ઉજવ્યો; કહ્યું, ‘યોગ માનવતાને જોડે છે’

0
2023

દેહરાદૂન – ભારત સહિત વિશ્વના તમામ દેશો આજે ચોથો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યાં છે. આ નિમિત્તે ભારતમાં ઉજવણી કાર્યક્રમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગેવાની લીધી છે અને દેશવાસીઓને યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા આપી છે.

વડા પ્રધાને વિશ્વ યોગ દિવસના ઉજવણી કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ વ્યક્તિ, પરિવાર, સમાજ, દેશ, વિશ્વ અને સંપર્ણ માનવતાને જોડે છે. યોગ આજે દુનિયાના સૌથી શક્તિશાળી એકતા બળમાંનું એક બની ગયું છે.

આજે ચોથા વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેહરાદૂનમાં ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત ઉજવણી કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળ હજારો લોકોએ વિવિધ પ્રકારના યોગાસનો કર્યા હતા.

મોદીએ કહ્યું કે, દુનિયાના દેશોએ યોગવિદ્યાને અપનાવી છે અને એની ઝલક દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જે રીતે ઉજવાય છે એના પરથી જોઈ શકાય છે. વાસ્તવમાં, યોગ દિવસ સારું આરોગ્ય પ્રાપ્ત કરવા માટેની સૌથી મોટી સામુહિક ઝુંબેશ બની ગયો છે.

વડા પ્રધાને 2015માં નવી દિલ્હીમાં રાજપથ ખાતે, 2016માં ચંડીગઢમાં કેપિટોલ કોમ્પ્લેક્સ ખાતે અને 2017માં લખનઉમાં રમાબાઈ આંબેડકર સભા સ્થળ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણી નિમિત્તે સમુહ યોગની આગેવાની લીધી હતી.