દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સંમેલનમાં પાકિસ્તાન હાજર નહીં રહે

નવી દિલ્હી – અત્રે આવતીકાલે સોમવારથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની બે-દિવસીય બેઠક યોજાનાર છે. એમાં ચીન અને અમેરિકા સહિત 50 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે, પણ પાકિસ્તાને એમાં હાજરી આપવાનું નકાર્યું છે.

રાજદૂતોની સતામણી કરાતી હોવાના અહેવાલો વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ રાજદ્વારી તંગદિલી ઊભી થઈ છે. એને લીધે પાકિસ્તાને WTOના સંમેલનમાં હાજરી આપવાનું માંડી વાળ્યું છે.

ભારતે WTO સંમેલનમાં હાજર રહેવા પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાન પરવેઝ મલિકને આમંત્રણ આપ્યું હતું, પણ પાકિસ્તાનના રાજદૂતને ‘અભૂતપૂર્વ ધાકધમકી’ આપવા સામેના વિરોધમાં મલિકે પોતાની મુલાકાત પડતી મૂકી છે.

પાકિસ્તાને ભારતસ્થિત તેના હાઈ કમિશનર સોહૈલ મેહમૂદને પાછા બોલાવી લીધા એ પછી હવે તેની સરકારે WTO સંમેલનમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનનો આરોપ છે કે નવી દિલ્હીમાં તેની દૂતાવાસમાં સેવા બજાવતા તેના અધિકારીઓની ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતામણી કરવામાં આવે છે.

પાકિસ્તાનના આરોપને ભારત સરકારે નકારી કાઢ્યો છે.

WTO સંમેલનમાં કૃષિ તથા સેવાઓને લગતા વિવિધ વિષયો પર વિચારવિમર્શ થશે.