ભારતમાં આ જગ્યાએ બની રહ્યો છે એફિલથી પણ ઊંચો પુલ…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે. આની ઉંચાઈ એફિલ ટાવરથી આશરે 35 મીટર વધારે હશે. દુર્ગમ ક્ષેત્રમાં આશરે 1100 કરોડ રુપિયાના ખર્ચથી બનવવામાં આવી રહેલા અર્ધ ચંદ્રાકાર જેવા આ પુલના નિર્માણમાં 24000 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવશે અને આ નદીના તળથી 359 મીટર ઉંચો હશે. એફિલ ટાવર માત્ર 273 મીટર ઉંચો છે. આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના શુઈબાઈ રેલવે પુલનો રેકોર્ડ તોડશે.

આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વાળી હવાને પણ સહી શકશે. આ પુલ પર બ્લાસ્ટની પણ કોઈ અસર નહી થાય. એન્જિનિયરિંગનો આ અદભૂત નમૂનો બક્કલ(કટરા) અને કૌડી (શ્રીનગર)ને જોડશે. આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે 111 કિલોમીટરના વિસ્તારને જોડશે જે ઉધમપુર, શ્રીનગર-બારામૂલા રેલ લિંક પરિયોજનાનો ભાગ છે.ચિનાબ બ્રિજ બનાવવામાં હેગિંગ આર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે. આર્ચ ગત વર્ષે જ બનાવવામાં આવી હતી. આ પુલ ઓનલાઈન મોનીટરિંગ એન્ડ વોર્નિંગ સિસ્ટમથી લેસ હશે. આ બ્રિજના નિર્માણમાં 29 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. 52 કિલોમીટર લાંબા આ પુલમાં 17 ટનલ અને 23 બ્રિજ છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ 345 કિમી લાંબો છે. આ પ્રોજેક્ટનો એક ભાગ કે જે કટરાથી ધરમ વચ્ચે 100 કિમી લાંબો છે તેમાં 52 કિમીનો રેલમાર્ગ કોંકણ રેલવે બનાવી રહ્યું છે.

પરિયોજના સાથે જોડાયેલા રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પુલનું નિર્માણ કાશ્મિર રેલ લિંક પરિયોજનાનો સૌથી પડકારરુપ ભાગ છે અને આ પૂર્ણ થયા બાદ એન્જિનિયરીંગનો એક અદભૂત નમૂનો બની જશે. આશા છે કે આ વિસ્તારમાં પર્યટકોનુ આ પૂલ આકર્ષણનું કેન્દ્ર રહેશે. નિરીક્ષણના ઉદ્દેશ્ય માટે પુલમાં એક રોપવે હશે. પુલની સુરક્ષા માટે પણ પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ પુલથી રાજ્યમાં આર્થિક વિકાસ અને સુગમતા વધારવામાં મદદ પ્રાપ્ત થવાની આશાઓ છે.