વર્લ્ડ બેન્કે ‘અચ્છે દિન’ પર લગાવી મોહર, કહ્યું ચીનથી વધુ રહેશે ભારતનો ગ્રોથ રેટ

નવી દિલ્હી- બજેટ રજૂ કરતા પહેલાં મોદી સરકારને અર્થવ્યવસ્થાના મોર્ચે  વધુ એક સારા સમાચાર મળ્યાં છે. વિશ્વ બેન્કે વર્ષ 2018 માટે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. વિશ્વ બેન્કે તેના રિપોર્ટમાં આગામી બે વર્ષ માટે ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધવાનું અનુમાન લગાવ્યું છે. વધુમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું કે, વર્ષ 2018માં ગ્રોથ રેટના મામલામાં ભારત ચીનને પણ પાછળ છોડી દેશે.

વર્લ્ડ બેન્કે ‘ગ્લોબલ ઈકોનોમિક્સ પ્રોસ્પેકેટ રિપોર્ટ’ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં અનેક ક્ષમતાઓ રહેલી છે. નોટબંધી અને જીએસટીની પ્રારંભિક નકારાત્મક અસર બાદ ભારતની અર્થવ્યવસ્થા ફરીથી સુધારા તરફ આગળ વધી રહી છે. વધુમાં વર્લ્ડ બેન્કે જણાવ્યું કે, ભારતની વર્તમાન કેન્દ્ર સરકાર નવા-નવા પરિવર્તનો કરી રહી છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની અન્ય પ્રગતિશીલ અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં સતત આગળ વધી રહી છે.

વિશ્વ બેન્કના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર આઈહન કોસે જણાવ્યું કે, આગામી દશકમાં ભારત વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે જણાવી રહ્યાં છે કે, ભારતમાં વિશાળ ક્ષમતા રહેલી છે.

આઈહન કોસે ધીમી પડી રહેલી ચીનની અર્થવ્યવસ્થાની સરખામણી કરતાં જણાવ્યું કે, ભારત વિકાસના રસ્તે આગળ વધ્યું છે. વર્લ્ડ બેન્કના નવા રિપોર્ટમાં આઈહન કોસે કહ્યું કે, ભારતના ગત ત્રણ વર્ષના વિકાસના આંકડા ઘણાં જ સકારાત્મક રહ્યાં છે. રિપોર્ટ મુજબ વર્ષ 2017માં ચીન 6.8 ટકાની ગતિથી આગળ વધ્યું છે. જે ભારતની સરખામણીએ ફક્ત 0.1 ટકા વધારે છે. વર્ષ 2018માં ચીન માટે અનુમાન 6.4 ટકા વિકાસદર માનવામાં આવ્યો છે. જે આગામી બે વર્ષમાં ઘટીને ક્રમશ: 6.3 અને 6.2  ટકાનો માનવામાં આવે છે. જેની સામે ભારતનો ગ્રોથ રેટ 7 ટકા ઉપર રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.