#MeToo: મહિલા પત્રકારોનો અકબર સામે મોરચો, પદથી હટાવવા રાષ્ટ્રપતિને કરી માગ

નવી દિલ્હી- #MeToo કેમ્પેઈન અંતર્ગત વિદેશ રાજ્યપ્રધાન એમ. જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી મહિલા પત્રકાર પ્રિયા રમાનીને અન્ય 20 મહિલા પત્રકારોનું પણ સમર્થન મળ્યું છે. ધ એશિયન એજમાં કામ કરી ચૂકેલી વીસ જેટલી મહિલા પત્રકારોએ પ્રિયા રમાનીનું સમર્થન કર્યુ છે.ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર પણ લખ્યો છે. તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓનું નિવેદન કોર્ટમાં લેવામાં આવે. અમારામાંથી કેટલીક મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બની છે અને કેટલીક સાક્ષી છે. રાષ્ટ્રપતિને તેઓએ કહ્યું કે, અમને ચિંતા છે કે, એમ. જે અકબર હજી પણ કેન્દ્રીય પ્રધાન પદ પર છે. જેનાથી કથિત દુષ્કર્મની સ્વતંત્ર તપાસ પર અસર થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે, એમ. જે. અકબર ભૂતકાળમાં કેટલાય અખબાર અને પત્રિકાઓના એડીટર રહી ચૂક્યા છે. વર્ષ 2017માં એક મહિલા પત્રકારે જણાવ્યું હતું કે, તેમના બોસે તેને એક હોટલમાં એક રુમમાં જોબ ઈન્ટરવ્યૂ માટે બોલાવી હતી. ‘રુમમાં ઈન્ટરવ્યૂ લીધા બાદ મને શરાબની ઓફર પણ કરી હતી. મહિલાનું કહેવું છે કે, અશ્લીલ ફોન કોલ્સ, મેસેજ અને અસહજ ટિપ્પણી કરવામાં તેઓ માહીર છે’.

આ મહિલાએ લખ્યું છે કે, ઘણી યુવા મહિલાઓ તેમની ખોટી હરકતોનો શિકાર બની છે. આ લેખના પ્રકાશન સમયે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નહતુ પરંતુ હવે નામ જાહેર થયું છે.