કેરળમાં પૂર હોનારત છતાં દક્ષિણ ભારતમાં દુષ્કાળની શક્યતા?

0
2563

તિરુવનંતપુરમ- આ વર્ષે દક્ષિણ ભારતમાં જરુરથી 11 ટકા જેટલો વધારે વરસાદ થયો છે. તેમ છતાં કેરળ અને આંધ્રપ્રદેશને બાદ કરતાં દક્ષિણ ભારતના બાકી રાજ્યોને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.એક અહેવાલ મુજબ તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને રાયલસીમાના 95 જિલ્લાઓમાં સરેરાશ 20 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. તો કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં 60 ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. આંધ્રપ્રદેશના રાયલસીમામાંતો પશ્ચિમ રાજસ્થાન કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત તામિલનાડુ અને કર્ણાટકની વાત કરવામાં આવે તો આ બન્ને રાજ્યોના એ વિસ્તારોમાં જ સારો વરસાદ નોંધાયો છે જે કેરળને અડીને આવેલા છે. તામિલનાડુના 22 જિલ્લામાં વરસાદ થયો છે. પરંતુ મધ્ય કર્ણાટકના અનેક વિસ્તારોમાં 21 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે.

કેરળ ઉપરાંત દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં પણ કોડાગુમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં ગતરોજ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. આ ઉપરાંત કર્ણાટકના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ થયો છે.

હાલમાં ચોમાસું તેના અંત ભાગ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો કેરળ અને આંધ્રપ્રદેશને બાદ કરતાં દક્ષિણ ભારતના બાકી રાજ્યોને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.