બિહારમાં નીતિશ, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા NDA છોડી નવો મોર્ચો બનાવશે?

0
2232

પટના- લોકસભા ચૂંટણી પહેલાં બિહારનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન ભારતીય જનતા પાર્ટીની નીતિઓને મુસલમાનથી દુર ગણાવી ચુક્યાં છે. તો સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે, બિહારમાં માહોલ ખરાબ થશે તો તેઓ સાંપ્રદાયિક તાકત સાથે સમાધાન કરશે નહીં. આ બધા વચ્ચે આંબેડકર દિવસ પર આયોજીત કાર્યક્રમમાં નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશનવાહા એક મંચ પર સાથે જોવા મળી શકે છે.આપને જણાવી દઈએ કે, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા NDA સરકારમાં પ્રધાન છે. આ ઘટનાક્રમ વચ્ચે એક સવાલ એવો પણ ઉદભવે છે કે, શું નીતિશ કુમાર BJP સાથે છેડો ફાડશે કે ગઠબંધન ચાલુ રાખશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ જણાઈ રહી છે કે, નીતિશ હવે RJ D સાથે ગઠબંધન નહીં કરે.

બીજી તરફ ઘાસચારા કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા RJD સુપ્રીમો લાલૂપ્રસાદ યાદવની ગેરહાજરીમાં પાર્ટીની કમાન સંભાળી રહેલા લાલૂપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં હવે નીતિશ કુમાર માટે તેની પાર્ટીના દરવાજા નહીં ખુલે.

એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે કે, બિહારમાં નીતિશ કુમાર એકલે હાથે સરકાર ચલાવી શકે તેટલા સક્ષમ નથી. તેમને રાજ્યમાં સરકાર ચલાવવા BJP અથવા RJDની મદદ લેવી જ પડશે. આ સ્થિતિમાં શું નીતિશ કુમાર ત્રીજા મોર્ચાનો વિકલ્પ વિચારશે કે કેમ તે પણ જોવું રહ્યું. રાજકીય ગણિત મુજબ નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાના સાથે મળ્યા બાદ જે સમીકરણ બને છે તે મુજબ બિન-યાદવ, ઓબીસી અને મહાદલિત સાથે મળીને રાજ્યમાં કુલ 38 ટકા વોટ બેન્ક બને છે.