યુવાઓને નોકરી મળશે તો હું અનામત માટેની માગણી પડતી મૂકી દઈશઃ હાર્દિક પટેલ

નવી દિલ્હી – ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે ભારપૂર્વક કહ્યું છે કે યુવા વ્યક્તિઓ માટે જો બે કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવે અને ખેડૂતોને એમના ઉત્પાદનો માટે ઉચિત કિંમત ચૂકવવામાં આવે તો હું અનામત માટેની મારી માગણીને પડતી મૂકી દઈશ.

હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુવાઓ બેરોજગારીની સમસ્યાથી પીડાય છે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ બે વર્ગના લોકોની સમસ્યાઓ પર ધ્યાન આપવાની પટેલે સરકારને વિનંતી કરી છે.

અહીં ‘એજન્ડા આજ તક’ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં હાર્દિક પટેલે કહ્યું કે, જો યુવાઓ માટે બે કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવે અને ખેડૂતોને એમના ખેત ઉત્પાદનો માટે શ્રેષ્ઠતમ કિંમત ચૂકવવામાં આવે તો આપણને અનામતની જરૂર ન રહે.

વધી રહેલી બેરોજગારી અને ખેડૂતો દ્વારા આત્મહત્યાની સમસ્યાના મુદ્દે મોદી સરકારની ઝાટકણી કાઢતાં ગુજરાતમાં પાટીદાર સમાજના આ યુવા નેતાએ એવી માગણી પણ કરી કે ખેડૂતોને લોન આપવી જોઈએ.

‘જો સરકાર અંબાણી જેવા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો ખેડૂતોને લોન આપી કેમ શકતી નથી?’ એવો સવાલ પટેલે કર્યો છે.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર હાર્દિક પટેલની સાથે ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત હતા. પોતાનો ઉલ્લેખ દલિત નેતા તરીકે કરવામાં આવે એની સામે મેવાણીએ વાંધો ઉઠાવ્યો હતો.

મેવાણીએ કહ્યું કે પોતે જાતિરહિત સમાજ રચનામાં માને છે. ‘હું ગુજરાતમાં ‘આશા’ કામદારો, પોલીસ કોન્સ્ટેબલો, અન્ય કામદારો, દલિતો તથા લઘુમતી કોમનાં લોકોનાં અધિકારો માટે લડત ચલાવું છું. તમને મને યુવા નેતા તરીકે કેમ બોલાવી ન શકો? મને દલિત નેતાનું લેબલ મિડિયાએ આપ્યું છે,’ એમ મેવાણીએ કહ્યું.

હાર્દિક પટેલે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં રચાયેલી નવી કોંગ્રેસ સરકાર જો રાજ્યમાં ખેડૂતોની લોન માફ કરવાના તેના વચનનું પાલન નહીં કરે તો હું અવાજ ઉઠાવીશ.

ગુજરાતમાં રાજ્ય સરકારે પાટીદારોની જમીન છીનવી લીધી છે અને તે ઉદ્યોગપતિઓને આપી દીધી છે, એવો આક્ષેપ પણ પટેલે કર્યો છે.