ફોની વાવાઝોડાના ટાઈમિંગથી જાણકારો પણ છે હેરાન

ભુવનેશ્વર- ઓડિશાના પુરીમાં ચક્રવાતી તોફાન ફોનીએ વિનાશ વેર્યો છે. પુરીમાં ભૂસખ્લન બાદ ભારે વરસાદની સાથે 200 કિમી પ્રતિ કલાકની જડપે પવન ફુંકાયો હતો. આ વાવાઝોડાના ટાઈમિંગને લઈને જાણકારો પર પરેશાન છે. જાણકારોનું કહેવું છે કે, આ પ્રકારના ચક્રાવાતી તોફાન સામાન્ય રીતે ચોમાસા પછી આવતાં હોય છે. પરંતુ આ સમયે ફોનીનું આવવું ચોંકાવનારું છે.

મોસમ વિજ્ઞાન સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે, ગરમીની સિઝનમાં આ પ્રકારના વાવાઝોડાં ભાગ્યેજ જોવા મળતાં હોય છે. એક રિપોર્ટ અનુસાર 1965થી 2017 સુધીમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં 46 ભયાનક વાવાઝોડાં નોંધાયા છે. જેમાંથી ઓક્ટોબર થી ડિસેમ્બર દરમિયાન 28 વાવાઝોડાં આવ્યા, 7 વાવાઝોડાં મે મહિનામાં અને માત્ર 2 વાવાઝોડાં જ એપ્રિલ (1966,1976)માં  આવ્યાં હતાં. 1976 પછી ફોની પ્રથમ એવું વાવાઝોડું છે, જેનુ નિર્માણ એપ્રિલમાં શરુ થયું છે.

છેલ્લાં ત્રણ દાયકામાં પૂર્વીય તટીય સાથે ટકરાનાર આ ચોથું સોથી ખતરનાક વાવાઝોડું છે. ઓડિશાએ આ પહેલાં જે ભયાનક ચક્રવાતી તોફાનોનો સામનો કર્યો છે તેમાં વર્ષ 1893, 1893, 1914, 1917, 1982 અને 1989નો સમાવેશ થાય છે. આ તોફાનો અહીં ખત્મ થઈ ગયાં અથવા તો પશ્ચિમ બંગાળના કાંઠા તરફ જતા રહ્યાં. જાણકારોનું કહેવું છે કે, ગ્લોબલ વોર્મિગને કારણે આપણે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

જાણકારોનું માનીએ તો, વાવાઝોડાની શરુઆત જેટલી ધીમી હોય તેનો પ્રભવ એટલો જ ખતરનાક હોય છે. આની પાછળનું કારણ એ છે કે, ગતી ધીમી હોવાને કારણે વાવાઝોડાને ભેજ અને ઉર્જા એક્ત્ર કરવાનો સમય મળી જાય છે, અને ભૂસંખ્લન બાદ તો તે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે.

 

અત્યાર સુધીમાં સૌથી ખતરનાક 35 તોફાનોમાંથી 26 બંગાળની ખાડીમાંથી શરુ થયાં હતાં. 1999માં આવેલ સુપર સાયક્લોન જે ઓડિશામાં 30 કલાક સુધી રહ્યું હતું. જેમાં 10 હજાર લોકોના મોત થયાં હતાં. આ પહેલા 1971માં આવા જ એક વાવાઝોડામાં પણ 10 હજાર લોકોના મોત થયાં હતા. ઓક્ટોબર 2013માં આવેલું ફેલિન વાવાઝોડુ અને ગત વર્ષે તિતલી વાવાઝોડના પ્રકોપથી મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે તેમને પહેલાથી જ સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતાં. આટલી સાવચેતી છતાં પણ આ બંન્ને તોફાનોમાં 77 લોકોના મોત થયાં હતાં.

ઓક્ટોબર 2014માં આવેલા હુદહુદ વાવાઝોડામાં 124 લોકો મોતને ભેટ્યા હતાં. ફોની વાવાઝોડાની તીવ્રતા પણ લગભગ એટલી જ બતાવવામાં આવી રહી છે. 2017માં વાવાઝોડા ઓખીને કારણે તમિલનાડુ અને કેરળમાં 250 લોકોના મોત થયાં હતાં.

તમને જણાવી દઈએ કે, ફોની વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પહેલાથી જ 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે. એક અનુમાન મુજબ અંદાજે 10 હજાર ગામડાઓ અને 52 શહેરો આ ભયાનક તોફનની ઝપેટમાં આવશે. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખથ આટલું ભયાનક તોફાન આવ્યું છે. એનડીઆરએફની 28, ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ એક્શન ફોર્સના 20 યૂનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.