છત્તીસગઢમાં સીએમ કોણ બનશે? આટલાં છે મૂરતિયા

રાયપુર- છત્તીસગઢમાં 15 વર્ષ પછી સત્તામાં કોંગ્રેસની વાપસી થઈ રહી છે. અત્યાર સુધી જે ટ્રેન્ડ આવ્યો છે તેમાં મોટાભાગે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રચાય તેવા સંજોગો સર્જાયા છે. 2003 પછી પહેલા વાર કોંગ્રેસ છત્તીસગઢમાં સરકાર રચવા તરફ આગળ આવશે. ત્યારે હવે સવાલ એ છે કે છત્તીસગઢમાં મુખ્યપ્રધાન કોણ બનશે?

ભાજપ તરફથી મુખ્યપ્રધાન રમણસિંહ મુખ્યપ્રધાનનો ચહેરો નક્કી હતો. પણ કોંગ્રેસ તરફથી કોઈપણ ચહેરા વગર ચૂંટણી લડી છે. હવે જ્યારે સ્પષ્ટ બહુમતી મળવા તરફ કોંગ્રેસ છે ત્યારે છત્તીસગઢમાં મુખ્યપ્રધાન બનવા માટે ચાર મુખ્ય નામ રેસમાં આગળ છે.

(1) ત્રિભુનેશ્વર શરણ સિંહદેવ

છત્તીસગઢમાં ટીએસ બાબાના નામથી ખુબ જાણીતા ત્રિભુનેશ્નર શરણ સિંહદેવ હાલ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. છત્તીસગઢમાં સૌથી વધુ ધનવાન ઉમેદવારના રૂપમાં ખ્યાતનામ છે. ટીએસ સિંહદેવ સરગુજાના રાજ પરિવાર સાથે સંબધ ધરાવે છે. અને અંબિકાપુર બેઠક પર તે ચૂંટણીના મેદાનમાં હતા. 2013માં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં સીએસ સિંહદેવ 13 હજાર મતોથી ભાજપના અનુરાગ સિંહદેવ સામે જીત્યા હતા.

(2) ચરણદાસ મહંત

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વરિષ્ઠ નેતા ચરણદાસ મહંત સત્કી વિધાનસભા બેઠક પર ચૂંટણીના મેદાનમાં હતા. ચરણદાસ કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મહંતની વિરુધ્ધ ભાજપના ઉમેદવાર મેધારામ સાહૂ મેદાનમાં હતા. 2008માં આ બેઠક કોંગ્રેસની પાસે હતી, પણ 2013માં આ બેઠક ભાજપના કબજામાં જતી રહી હતી.

(3) ભૂપેશ બધેલ

છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સૂબેમાં કદાવર નેતાના રૂપમાં ઓળખાય છે. વિવાદો સાથે બધેલને સારો એવો સંબધ રહ્યો છે. વીતેલા વર્ષે તેઓ સેક્સ સીડી કાંડ પછી બધેલ અચાનક વિવાદોમાં સપડાયા હતા. અને જેલમાં પણ જવું પડયું હતું. તાજેતરમાં કોંગ્રેસની જીત પાછળ બધેલનું મોટુ યોગદાન રહ્યું છે. અને તેઓ પણ સીએમની રેસમાં આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બધેલ પાટન બેઠક પર હાલ ધારાસભ્ય છે.

(4) તામ્રધ્વજ સાહૂ

છત્તીસગઢમાં કોંગ્રેસના એક જ સાંસદ અને પાર્ટીનો ઓબીસી ચહેરો છે. કોંગ્રેસમાં અંદરની ખેંચતાણ પછી છેલ્લી ઘડીએ કોંગ્રેસે હાઈકમાન્ડે તેમને ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સાહૂને ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યુ તેની પાછળ તેઓ સીએમ પદના ઉમેદવાર હોવાનું પણ મનાઈ રહ્યું છે. એટલા માટે તેઓ સાહૂ સીએમ બનવાની રેસમાં છે.