હું સેનામાં હતો ત્યારે 100થી વધુ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી: અમરિન્દર સિંહ

પટિયાલા: પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. મોદી સરકારે પાકિસ્તાનમાં પ્રથમ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એવા ભાજપના દાવા પર અમરિન્દર સિંહે નિશાન તાક્તા કહ્યું કે, વડાપ્રધાને ઈતિહાસની જાણકારી મેળવવાની જરૂર છે.

એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં અમરિન્દર સિંહે કહ્યું કે, ભાજપને ઈતિહાસની જાણકારી નથી. જે કોઈ પણ સૈનાના ઈતિહાસ અંગે જાણતું હશે તેને એ વાતનો ખ્યાલ હશે કે, આ પહેલા પણ ઘણી વખત સ્ટ્રાઈક (સર્જિકલ સ્ટ્રાઈક )થઈ ચૂકી છે. જ્યારે 1960ના દાયકામાં હું સેનામાં હતો તો, 100 સ્ટ્રાઈક થઈ હતી. તેમણે (ભાજપે) માત્ર નવું નામ સર્જિકલ સ્ટ્રાઈક આપ્યું છે. અમે લોકો આ સ્ટ્રાઈકને ક્રોસ બોર્ડર રેડ કહેતા હતાં. મહત્વનું છે કે, અમરિન્દર સિંહ વર્ષ 1963થી 1966 વચ્ચે ભારતીય સેનાની શીખ રેજીમેન્ટમાં સેવા આપી હતી.

અમરિન્દર સિંહે કહ્યું કે, વર્ષ 1947માં કોણ વડાપ્રધાનુ હતું? 1962માં કોણ વડાપ્રધાન હતું? એ જ રીતે 1965 અને 1972માં કોણ વડાપ્રધાન હતું? આપણે પાકિસ્તાનના ટુકડા કર્યા હતાં. ઈન્દિરા ગાંધીએ આ મામલે ઘણુ બધુ કર્યું પરંતુ તેમણે કયારેય એમ નથી કહ્યું કે, આ કામ મેં કર્યું છે. તેમણે માત્ર એટલું કહ્યું કે, તે ભારતીય સેના અને ફિલ્ડ માર્શલ માણેકશાની ખુબ આભારી છે. તેમણે કરેલા કામનો શ્રેય અન્ય લોકોને આપ્યો પરંતુ આ વ્યક્તિ કહે છે કે, મે આ કર્યું છે. તમે કોણ છો ભાઈ? આ તમારી સેના નથી આ ભારતની સેના છે.

સિંહે સાથે પીએમ મોદી સરકાર અને તેમના પ્રધાનોને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ અંગે ઓછી જાણકારી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કાં તો આ લોકો પાસે જ્ઞાનની ઉણપ છે અથવા તો આ લોકો જાણી જોઈને ભોળા બની રહ્યાં છે. મને નથી ખબર કે આ લોકો આવું શા માટે કરી રહ્યાં છે. મોદીજી મને જણાવે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક તેમનું એક મહાન કાર્ય છે, તો મારે કહેવું પડશે તે આ ખોટું છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા લેફ્ટનેંટ જનરલ (રિટાયર) ડીએસ હુડ્ડાએ પણ દાવો કર્યો હતો કે, ભારતીય સેના મોદી સરકાર સત્તા પર આવ્યા પહેલા પણ સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરતી રહી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય સેનાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો યોગ્ય સંકેત નથી.