ભારત સહિત અનેક દેશોમાં વોટ્સએપ ઠપ થતાં યૂઝર્સ પરેશાન

મુંબઈ – આજે બપોરે લગભગ દોઢેક કલાક સુધી ભારતભરમાં લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપ ડાઉન થઈ ગઈ હતી. એને કારણે યૂઝર્સ ખૂબ પરેશાન થઈ ગયા હતા.

લોકો એમનાં મેસેજિસ સેન્ડ કે રિસીવ કરી શકતા નહોતા એટલે મૂંઝાઈ ગયા હતા.

ભારત ઉપરાંત બ્રિટન, પશ્ચિમ યુરોપ, પાકિસ્તાન સહિત એશિયાના અનેક દેશોમાંથી પણ વોટ્સએપ ડાઉન થયાના અહેવાલો છે.

બે મહિનામાં વોટ્સએપ સેવા આ બીજી વાર ડાઉન થઈ છે.

ગયા સપ્ટેંબરના આરંભમાં આ સેવા મલેશિયા, સ્પેન, જર્મની તથા અન્ય દેશોમાં અનેક કલાકો સુધી ડાઉન રહી હતી.

શું થયું વોટ્સએપને?

ભારતમાં બપોરે લગભગ ૧.૫૦ વાગ્યે વોટ્સએપ ડાઉન થયાનો અહેવાલ હતો. ત્યારબાદ બપોરે ૨.૪૦ વાગ્યે પણ આ સેવા ઠપ થયેલી હતી.

ઘણા લોકોને મેસેજિંગ એપને લોગઈન થવામાં પણ સમસ્યા નડી હતી.

૨.૪૫ વાગ્યાની આસપાસ વોટ્સએપનું પુનરાગમન

દરમિયાન, ૨.૪૫ વાગ્યાની આસપાસ જ વોટ્સએપ ફરી શરૂ થઈ જતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.
વોટ્સએપ ઠપ થઈ ગયું હતું એ સમય દરમિયાન ઘણાએ એમના ટ્વિટર હેન્ડલ પરથી વોટ્સએપ સેવા શરૂ થાય એવી રજૂઆત કરી હતી.

વોટ્સએપ ઠપ થયું એ દરમિયાન ઘણાએ એપને અનઈન્સ્ટોલ કરી રી-ઈન્સ્ટોલ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

આઉટેજ સમયગાળા દરમિયાન #WhatsAppDown ટ્રેન્ડિંગમાં શરૂ થયું હતું.