‘કાળુ નાણું પરત આવ્યું નહીં પણ સફેદ નાણું દેશ બહાર જતું રહ્યું’

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક મહાકૌભાંડને લઈને સંસદના બજેટ સત્રમાં કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તરફથી PNB કૌભાંડ અંગે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી. આ ઘણું મોટું કૌભાંડ છે, જેથી પીએમ મોદીએ સંસદના બન્ને ગૃહમાં આવી નિવેદન આપવું જોઈએ. દેશમાં એક પછી એક બેન્ક કૌભંડ સામે આવી રહ્યાં છે અને આ મામલાઓ હજારો કરોડો રુપિયાના છે.ગુલામ નબી આઝાદે કહ્યું કે, પીએમ મોદીએ જનતાને વાયદો કર્યો હતો કે, વિદેશમાંથી કાળુ નાણું પરત આવશે. પરંતુ વિદેશમાંથી કાળાનાણાંનો એક પૈસો પણ પરત આવ્યો નથી. આઝાદે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હું પીએમ મોદીને ધન્યવાદ આપીશ કારણકે દેશના સફેદ નાણાને પીએમ મોદીએ દેશની બહાર મોકલ્યું છે. શક્ય છે તેમના બોલવામાં કોઈ ભૂલ થઈ હશે અથવા અમારા સમજવામાં કોઈ ભૂલ થઈ હશે’.

પીએમ મોદી પર આરોપ લગાવતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, લલિત મોદી જતો રહ્યો, વિજય માલ્યા જતો રહ્યો અને હવે નીરવ મોદી અને ચોક્સી પણ દેશ છોડીને જતા રહ્યાં. દિલ્હીની બેઠકમાં પીએમ મોદી ચોક્સીના નામનો ઉલ્લેખ કરે છે, અને જણાવે છે કે, તેમની પાસે બધી જ માહિતી છે. પીએમ બધા બિઝનેસમેનને ઓળખે છે. તો શું એ જ કારણ છે કે, આ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, દેશના પૈસા લઈને ભાગી જનારાને પકડીને પરત નથી લવાઈ રહ્યાં. એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. દેશના લોકોના હજારો કરોડો રુપિયા જે વ્હાઈટ મની છે, તે વિદેશ જઈ રહ્યાં છે અને સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે.