2019 પહેલાં મમતા સરકારે ખોલ્યું હિન્દુ કાર્ડ, 25 હજાર દુર્ગાપૂજા કમિટીને કરી આર્થિક સહાય

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં હિન્દુ કાર્ડ દ્વારા જનઆધાર વધારવા પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા રાજ્યની મમતા બેનરજી સરકારે પણ દાવ ખેલ્યો છે. રાજ્યમાં આશરે 25 હજાર દુર્ગાપૂજા કમિટીઓને પ્રથમ વખત આર્થિક સહાય આપવામાં આવી છે.એવું માનવામાં આવે છે કે, આ પહેલથી મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપના એ આરોપોને નકારવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેમને લઘુમતીઓને ખુશ કરવા માટે કામ કરવાની વાત કહેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આયોજીત એક કાર્યક્રમમાં મમત બેનરજીએ કહ્યું કે, રાજ્ય સરકારે દુર્ગાપૂજા કમિટીઓને સામુદાયિક વિકાસ કાર્યક્રમો માટે 10-10 હજાર રુપિયાની આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ત્રણ હજાર અને સમગ્ર રાજ્યમાં લગભગ 25 હજાર દુર્ગાપૂજા કમિટી આવેલી છે. દરેક કમિટીને 10-10 હજાર રુપિયા પ્રમાણે કુલ આશરે 28 કરોડની આર્થિક મદદ કરવામાં આવશે. એટલું જ નહીં મમતા સરકારે અન્ય છૂટછાટો આપવાનું પણ જાહેર કર્યું છે.

અન્ય છૂટછાટ જેવી કે, આ વખતે દુર્ગાપૂજા કમિટીઓ પાસેથી ફાયર લાઈસન્સ માટે ચાર્જ લેવામાં આવશે નહીં અને વીજળીના બિલમાં પણ છૂટ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ દુર્ગાપૂજા કમિટીઓને ઉપરોક્ટ છૂટછાટ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવશે.