મમતા સરકારની મંજૂરી નહીં છતાં યોગી પુરુલિયામાં યોજશે રેલી!

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ બની ગઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલીને મંજૂરી આપી નથી. પુરુલિયા એસપીએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ રેલી કરશે તો, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વચ્ચે બીજેપી નેતા શાહનવાઝ હુસૈન અને એમપીના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પણ પશ્ચિમ બંગાળ સરકારે રેલી  કરવાની મંજૂરી આપી ન હતી. હુસૈન મુર્શિદાબાદ અને શિવરાજસિંહ બહેરામપુરમાં રેલી કરવા માગતા હતાં. આ પહેલાં મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, તેમણે યોગીની રેલી પર કોઈ પ્રતિબંધ નથી મુક્યો.

મંજૂરી નહીં મળી હોવા છતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હેલિકોપ્ટરથી બોકારો જવા રવાના થયાં છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાકુરામાં જનસભાને સંબોધિત કરવના હતાં. પરંતુ સોમવારે સાંજ સુધી હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી નહી મળતા બીજેપીએ પ્લાન બદલી નાંખ્યો હતો. બીજેપીએ યોગીને બોકારો સુધી હેલિકોપ્ટર અને ત્યાર બાદ સડક માર્ગે પુરુલિયા પહોંચવાનો કાર્યક્રમ બનાવ્યો હતો

પુરુલિયાના એસપી આકાશનું કહેવુ છે કે, જમીનીસ્તર પર તથ્યો અને આંકડાઓને જોતાં રેલીની પરવાનગી આપવામાં નથી આવી. આ પહેલાં પણ પુરુલિયામાં હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી નહીં મળતાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ટ્વિટ કરીને મમતા સરકાર પર નિશાન તાક્યું હતું.

સીએમ યોગીએ કહ્યું કે, મને અત્યંત દુ:ખ છે કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કર્મભૂમિ, આપણું બગાળ આજે મમતા બેનર્જી અને તેમની સરકારની અરાજકતા તેમ જ ગુંડાગર્દીથી પીડિત છે. હવે સમય આવ્યો છે કે, બંગાળને એક સશક્ત લોકતાંત્રિક આંદોલનના માધ્યમથી સંવિધાનના રક્ષણ માટે બેનર્જી સરકારમાંથી મુક્ત કરવામાં આવે. હું આજે પુરુલિયામાં તમારા બધા વચ્ચે આંદોલનની ધ્વજા લઈને ભ્રષ્ટાચારીઓના ગઠબંધન સામે પડકાર બનીને ઉભો રહીશ.

તો બીજી તરફ યોગીની રેલીને લઈને મમતા બેનર્જીએ કહ્યું કે, પુરુલિયામાં રેલી યોજવા પર કોઈ પ્રતિબંધ નથી. યોગી આદિત્યનાથને રેલી કરવા દો. પોતાનું યુપી તો સંભાળી નથી શકતા, ત્યાં પોલીસ કર્મીઓની હત્યા થઈ રહી છે, મોબ લિંચિંગ થઈ રહ્યું છે, તેમ છતાં યોગી બંગાળમાં ફરી રહ્યાં છે. તેમને કહો કે પહેલા તેમનું રાજ્ય સંભાળે. મમતાના આ નિવેદન બાદ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને ફરી એક વખત મમતા બેનર્જી પર શબ્દપ્રહાર કર્યાં હતાં.