લશ્કરી વડા રાવતની પાકિસ્તાનને ચેતવણી; કશ્મીરમાં ત્રાસવાદીઓ મોકલવાનું બંધ કરો

0
1336

પહલગામ – દેશના લશ્કરી વડા જનરલ બિપીન રાવતે આજે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. એમણે પાકિસ્તાનને કહ્યું છે કે જો તમે આપણા વિસ્તારમાં શાંતિ અને કોમી એખલાસ રહે એવું ઈચ્છતા હો તો જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રાસવાદીઓને ઘુસાડવાનું અને ત્રાસવાદી તત્વોને મદદ કરવાનું બંધ કરો.

જનરલ રાવતે જમ્મુ અને કશ્મીરમાંની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે જમ્મુ અને કશ્મીરમાં શાંતિનું વાતાવરણ ચાલુ રહેશે તો સ્થગિત કરાયેલા કોમ્બેટ ઓપરેશન્સની મુદત લંબાવવામાં આવશે.

તે છતાં, જનરલ રાવતે એવી ચેતવણી પણ આપી છે કે પાકિસ્તાનની મદદવાળા ત્રાસવાદીઓ જો કોઈ હરકત કરશે તો કોમ્બેટ ઓપરેશન્સ ફરી શરૂ કરવા અંગે વિચારવામાં આવશે.

રાવતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો એ ભારત સાથે શાંતિ ઈચ્છતું હોય તો જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રાસવાદીઓને ઘુસાડવાનું બંધ કરે.