ઔરંગાબાદમાં હિંસા: અનેક ગાડીઓ આગને હવાલે, ફાયરિંગમાં એકનું મોત

ઔરંગાબાદ- મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે રાત્રે બે સમુદાયો વચ્ચે નજીવી બાબતો હિંસા ભડકી હતી. ઔરંગાબાદના જૂના વિસ્તારમાં સ્થિતિ હજી પણ તણાવપૂર્ણ છે. પોલિસના જણાવ્યા મુજબ બે સમુદાય વચ્ચે થયેલા વિવાદે જોતજોતામાં ઉગ્ર રુપ ધારણ કરી લીધુ અને હિંસા ભડકી ઉઠી. ઉપદ્રવીઓએ દુકાનોમાં આગ લગાવી દીધી. સ્થિતિને નિયંત્રિત કરવા પહોંચેલી પોલિસને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. જેમાં 15 પોલિસકર્મી સહિત કુલ 60 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત લગભગ 50 ગાડીઓને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.ઔરંગાબાદ હિંસામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. હિંસાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ શહેરના જૂના વિસ્તારમાં બે સમુદાય વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થયો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી. આખી રાત શહેરમાં ઉપદ્રવીઓ અને પોલિસ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલિસબળ તહેનાત કરી દેવામાં આવ્યુ છે. પોલિસ ઉપદ્રવીઓની ઓળખમાં લાગેલી છે. સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે. અને ધારા 144 લાગુ કરવામાં આવી છે.